- ડિમોલીશનના બીજા જ દિવસે પીપીપી યોજનાના બિલ્ડરે 40 થી 50 વર્ષ જૂના વૃક્ષો કાપી નાંખતા પર્યાવરણપ્રેમીઓમાં ભારે રોષ
શહેરના સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ રોડ પર અરવિંદભાઇ મણીયાર 208 આવાસ યોજના જે 44 વર્ષ જૂની હોય કોર્પોરેશન દ્વારા અહિં પીપીપીના ધોરણે રિ-ડેવલપમેન્ટ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. બે દિવસ પૂર્વે તમામ 208 આવાસનું ડિમોલીશન કરાયા બાદ ગત રાત્રે બિલ્ડર જે.પી. સ્ટ્રક્ચર પ્રાઇવેટ લીમીટેડ દ્વારા 40 થી 50 વર્ષ જૂના લીમડા સહિતના ઘેઘુર વૃક્ષોને વાંઢી નાંખવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ સામે આવેલા અરવિંદભાઇ મણીયાર ક્વાર્ટરમાં રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ લાગૂ કરવામાં આવ્યો છે. બે દિવસ પૂર્વે અહિં ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. 208 ફ્લેટ તોડી પાડવામાં આવ્યા છે. દરમિયાન ગઇકાલે રાત્રે રાતોરાત બિલ્ડર દ્વારા 15 જેટલા વૃક્ષોને વાંઢી નાંખવામાં આવ્યા હતા.
આ અંગે કોર્પોરેશનના ગાર્ડન વિભાગના અધિકારીઓની પૂછ પરછ કરવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે મણીયાર ક્વાર્ટર પાસે વૃક્ષો કાપવા માટે બિલ્ડર દ્વારા કોઇ જ પ્રકારની મંજૂરી લેવામાં આવી નથી અને રાતોરાત 15 જેટલા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હોવાની અમારી પાસે કોઇ જ પ્રકારની માહિતી નથી.