- પુરવઠા મંત્રીએ તમામ જિલ્લા કલેકટરોને આપી સૂચના : કલેકટર કચેરી અને મામલતદાર કચેરીઓમાં બદલીનો ઘાણવો ઉતરશે
રાજ્યભરમાં પુરવઠા વિભાગમાં છેલ્લા 3 વર્ષથી એક જ સ્થળે ફરજ બજાવતા કર્મચારીઓની બદલી કરવામાં આવશે. કારણકે આ મામલે પુરવઠા મંત્રીએ તમામ જિલ્લા કલેકટરને સૂચના આપી છે. જેને પગલે ટૂંક સમયમાં તમામ જિલ્લાઓમાં બદલીનો ઘાણવો ઉતારવામાં આવશે.
રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ તમામ જિલ્લાઓના કલેક્ટરોને સત્તાવાર રીતે પત્ર લઈ સુચના આપી છે કે અન્ન, નાગરિક પુરવઠા સાથે સંકળાયેલ સ્ટાફના નાયબ મામલતદાર, કારકુન કે ડેટા ઓપરેટરો જેઓ ત્રણ વર્ષ કે તેનાથી વધુ સમયથી કલેકટર કચેરી, મામલતદાર કચેરી વગેરેમાં એક જ જગ્યાએ કામ કરતા હોય તેવા કર્મચારીઓને જાહેર હિતમાં અન્યત્ર બદલવામાં આવે તે મામલે કાર્યવાહી કરવામાં આવે. અને કરેલ કાર્યવાહીની ઇમેઇલથી જાણ પણ કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં પણ આ મામલે સૂચના મળી છે. જેને પગલે જિલ્લા કલેકટર થોડા દિવસોમાં કલેકટર કચેરી અને મામલતદાર કચેરીઓમાં પુરવઠાની કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓ કે જેઓ છેલ્લા 3 વર્ષથી એક જ જગ્યાએ કામગીરી કરી રહ્યા છે. તેઓની બદલીના ઓર્ડર જાહેર કરશે.