- ગુજરાતીઓ ગુજરાતીમાં જ નાપાસ!
- ભાર વિનાના ભણતરના દાવા પોકારતી સરકારે માતૃભાષાના શિક્ષણ અંગે પગલા ભરવાનો અવસર આવી ગયો છે
- ગુજરાતી માઘ્યમના વિદ્યાર્થીઓ માટેના ગુજરાતી પ્રથમ અને અંગ્રેજી દ્વિતિયમાં સૌથી વધુ વિદ્યાર્થી નાપાસ થયા
દુનિયાભરમાં વખાણાતા ગુજરાત મોડેલમાં માતૃભાષાની દુર્દશા થઇ રહી છે. ગુજરાત ગુજરાતીમાં જ નાપાસ થઇ રહ્યું છે. સરકાર વાયદામાં મસ્ત છે અને ઓછુ ભણેલા શિક્ષકોના હાથમાં ગુજરાતી ભાષાનું સુકાન છે. મૂંઝાયેલા વિદ્યાર્થીઓના મોઢે એક જ શબ્દ છે ‘બિન ગુરૂ જ્ઞાન કહા સે લાંઉ’ ભાર વિનાના ભણતરના દાવા પોકારતી સરકારે માતૃભાષાના શિક્ષણ અંગે પગલા ભરવાનો અવસર આવી ગયો છે. ગુજરાતીમાં જ નાપાસ થતા ગુજરાતને જોતા સ્પષ્ટ છે કે અભિ નહી તો કભી નહીં… આંકડાઓનું માનીએ તો ગઇકાલે ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 1ર સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી વિષયમાં પણ અનેક વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ગુજરાતી માઘ્યમમાં વિદ્યાર્થીઓની વધુ વિકેટો પડી છે. ગુજરાતી માઘ્યમના વિદ્યાર્થીઓની પ્રથમ ભાષા ગુજરાતી અને દ્વિતીય ભાષા અંગ્રેજીમાં અનેક વિઘાર્થી નાપાસ થયા છે. આ ઉપરાંત ફિલોસોફી જેવા વિષયમાં મોટી સંખ્યામાં વિઘાર્થીઓ નાપાસ થયા છે. અંગ્રેજીમાં નાપાસ થનારા વિઘાર્થીઓની સંખ્યા 54 હજાર કરતા વધુ છે.
ઉલ્લેખનીય છે કે, રાજય સરકારના જ આંકડાઓ કહી રહ્યા છે કે વિદ્યાર્થીઓને ગુજરાતી લખવા અને વાંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેનું કારણ ઓછું ભણેલા શિક્ષકો હોવાનું બહાર આવ્યું છે. ગુજરાત સરકારે શિક્ષણ ક્ષેત્રે પ્રવૃતિને વિકસાવવા અને બાળકોને સારુ શિક્ષણ- કેળવણી મળી રહે તે માટે વાંચે ગુજરાત, ક્ધયા કેળવણી, શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ જેવા વિવિધ કાર્યક્રમો હાથ ધરેલા છે. પરંતુ હાલ તો સ્થિતિ એવી છે કે, આપણી માતૃભાષામાં જ વિઘાર્થીઓને ફાંફા પડે છે. જો માતૃભાષા સારી રીતે આવડતી હોય તો અન્ય વિષયો ભાષામાં પણ પ્રભુત્વ મેળવી શકાય છે. મહાત્મા ગાંધીજીએ પણ શિક્ષણ અંગેના કરેલા પોતાના ભાષણોમાં માતૃભાષામાં શિક્ષણ આપવાની વાત પર ભાર મુકયો હતો. ગુજરાતી ભાષાને માત્ર પાસ થવાના વિષય તરીકે જોવામાં આવે છે. આથી આપણું ગુજરાતી પણું અને માતૃભાષા પરનું લક્ષ્ય ખુબ ઓછું થયું છે.
ભાષા એટલે જોડાણી નહીં, ભાષા એટલે અભિવ્યકિત તમે વિઘાર્થીને જેટલું સારુ ગુજરાતી શિખવશો એટલું જ સારુ તેનું ગણિત, વિજ્ઞાન અને સમાજ વિજ્ઞાન પણ થશે.
ભાષા માત્ર એ ભાષાના પેપર માટે નથી. જે છોકરાઓ ભાષામાં નાપાસ થાય છે. એમનું ગણિત, વિજ્ઞાન પણ નબળુ હોવાની પૂરી શકયતા છે. જેનું ગણિત સારુ, વિજ્ઞાન સારુ એની ભાષા પણ તેટલી જ સારી હશે. એટલે હવે ચોકકસથી કહી શકાય કે સમય પાકી ગયો છે કે, ભાર વિનાના ભણતરના દાવા પોકારતી સરકારે માતૃભાષાના શિક્ષણ અંગે પગલા ભરવાનો અવસર આવી ગયો છેે.
ગુજરાતી માઘ્યમ કરતા અંગ્રેજી માઘ્યમનું 6.33 ટકા વધુ પરિણામ
અંગ્રેજી માઘ્યમના વિઘાર્થીઓએ ગુજરાતી માઘ્યમના વિઘાર્થીઓ કરતા સારો દેખાવ કર્યો છે. ગુજરાતી માઘ્યમમાં 4.22 લાખ વિઘાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે પૈકી 72.83 ટકા વિઘાર્થીઓ પાસ થવામાં સફળ રહ્યાં છે. જયારે અંગ્રેજી માઘ્યમાં 4ર હજાર વિઘાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 79.16 ટકા વિઘાર્થીઓ પાસ થયા હતા. આમ, ગુજરાતી માઘ્યમ કરતા અંગ્રેજી માઘ્યમનું પરિણામ 6.33 ટકા વધુ આવ્યું છે.
33 હજાર જેટલા વિઘાર્થીઓ પૂરક પરીક્ષા આપશે
ધો.1ર સામાન્ય પ્રવાહમા ખુબ જ વધુ પ્રમાણમાં વિષયો હોવાથી જુલાઇમાં લેવામાં આવતી પુરક પરીક્ષામાં 1 વિષયમાં નાપાસ થયેલા વિઘાર્થીઓની જ પુરક પરીક્ષા લેવામાં આવતી હોય છે. જેથી આ વખતે બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ પરિણામમાં 1 વિષયમાં નાપાસ થયેલા વિઘાર્થીઓની સંખ્યા 33402 જેટલી છે. જેથી આ વિઘાર્થીઓ પુરક પરીક્ષા માટે લાયક બનશે.