આર્થિક સંકટ વચ્ચે અમેરિકાએ લોન લેવાની મર્યાદા વધારતું બિલ પસાર કર્યું
અબતક, નવી દિલ્હી
અમેરિકાએ 31 ટ્રીલિયન ડોલરનું બેલઆઉટ પાસ કરતા વિશ્વને હાંશકારો થયો છે. આર્થિક સંકટ વચ્ચે અમેરિકાએ લોન લેવાની મર્યાદા વધારતું બિલ પસાર કરતા હવે સંકટમાં રાહત મળવાની છે.
આર્થિક સંકટ ભોગવી રહેલ અમેરિકા હવે નાદાર નહીં થાય. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે ટ્રેઝરી દ્વારા નિર્ધારિત સમયમર્યાદાના પાંચ દિવસ પહેલા લોન લેવાની મર્યાદા વધારવાનું બિલ પસાર કર્યું હતું. અમેરિકામાં લોન લેવાની મર્યાદા વધારવાની છેલ્લી તારીખ 5 જૂન હતી. જો આવું ન થયું હોત તો અમેરિકા ઈતિહાસમાં પહેલીવાર નાદાર થઈ ગયું હોત.
બંને પક્ષોના મોટાભાગના સભ્યોએ આ બિલને સમર્થન આપ્યું હતું. ડેમોક્રેટ્સે બિલને 165-46થી સમર્થન આપ્યું હતું. જ્યારે રિપબ્લિક્ધસે આ બિલને 149-71 વોટથી સમર્થન આપ્યું હતું. અહેવાલ અનુસાર રાષ્ટ્રપતિ જો બાયડેન અને હાઉસ સ્પીકર કેવિન મેકકાર્થી વચ્ચે લોન લેવાની મર્યાદા અંગેની ડીલ પર ચર્ચા થઈ હતી. ત્યારબાદ અમેરિકી કોંગ્રેસે દેવાળીયું થવાના થોડા દિવસ પહેલા જ આ બિલ પાસ કર્યું છે.
અમેરિકી સરકાર કાયદેસર રીતે તેના ખર્ચ અને જવાબદારીઓને પહોંચી વળવા નાણાં ઉછીના લે છે. અમેરિકાની સંસદે એક કાયદો બનાવીને આ લોન લેવાની મર્યાદા નક્કી કરી છે, જેને ડેબ્ટ સીલિંગ(લોન મર્યાદા) કહેવામાં આવે છે. અમેરિકાના બંધારણ મુજબ, કોંગ્રેસ (સંસદ)ને સરકારી ખર્ચ પર નિયંત્રણ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. કોંગ્રેસની મંજુરી વિના સરકાર નિશ્ચિત લોનની મર્યાદાથી વધુ લોન લઈ શકે નહીં. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં વિપક્ષી રિપબ્લિકન પાર્ટીની બહુમતી છે. રિપબ્લિકન સાંસદો લોનની મર્યાદા વધારવાની તરફેણમાં ન હતા, જેના કારણે વિવાદ થયો. જો લોન લેવાની મર્યાદા ન વધારવામાં આવી હોત તો અમેરિકાની તિજોરી ખાલી થઈ શકે તેમ હતું.
જેના કારણે અમેરિકા સામે નાદાર જાહેર થવાનું સંકટ ઊભું થયું હતું. તેનાથી માત્ર અમેરિકા જ નહીં પરંતુ સમગ્ર વૈશ્વિક અર્થવ્યવસ્થાને અસર થઈ હોત.
ભારતના અબજોપતિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની સંપત્તિ પણ અમેરિકાના કેશ રિઝર્વ કરતાં વધુ છે. આટલું જ નહીં, બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, વિશ્વના 31 અબજપતિઓ પાસે અમેરિકાના કેશ રિઝર્વ વધુ સંપત્તિ છે. 25 મે સુધીમાં યુએસ ટ્રેઝરીમાં માત્ર 38.8 બિલિયન ડોલરની રોકડ બચી હતી.