ભ્રૂણ હત્યા અટકાવવા માટે સરકાર દ્વારા ગર્ભનું જાતિ પરીક્ષણ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે છતાં પણ અમુક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ કરાવવામાં આવે છે ત્યારે સુરતમાં ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ કરનાર તબીબ રંગે હાથ ઝડપાયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના સુરતના પરવટ પાટિયા નજીકની છે જ્યાં નોબલ સ્કુલ સામે લાભુબા કોમ્પલેક્સના બ્રહ્મા ક્લિનિકમાં ગર્ભપરીક્ષણ કરાતું હોવાની ફરિયાદ મળતા ટીમે સતત 2 મહિનાથી ક્લિનિક પર વોચ ગોઠવી હતી અને ગેરકાયદેસર રીતે ગર્ભ પરિક્ષણ કરનાર ગેંગને રંગે હાથ ઝડપી પાડી હતી.
હોમિયોપેથિક તબીબ રાજેશ ધોળિયા ગેરકાયદેસર રીતે ગર્ભનું પરીક્ષણ કરતો હતો અને 15 હજાર વસૂલતો. પરિક્ષણ કરવા માટે ટેબ્લેટ અને ચાઈનીઝ બનાવટના પોર્ટેબલ સોનોગ્રાફી મશીનનો ઉપયોગ કરતા. પોલીસ સતત ૨ મહિનાથી કલીનીક પર વોચ ગોઠવી હતી ત્યારે સગર્ભાનું ગર્ભ પરીક્ષણ કરતાં પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા અને પી.સી. એન્ડ પી.એન. ડી.ટી.એક્ટ અંતર્ગત ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે