અપીલના મેગા બોર્ડમાં બે સેશનમાં 69 કેસોનું સુનાવણી કરાઈ
જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ આજે મેગા અપીલ બોર્ડ ચલાવ્યું હતું. જેમાં સવાર અને બપોર એમ બે સેશનમાં 69 કેસો મુકવામાં આવ્યા હતા. આ બોર્ડમાં રાજવી પરિવારના મિલકત વિવાદ કેસની પણ સુનાવણી કરવામાં આવી હતી.
રાજકોટના રાજવી પરિવારમાં 1500 કરોડની સ્થાવર-જંગમ મિલકત વિવાદમાં પ્રાંતનો ચુકાદો ઠાકોર સાહેબ માંધાતાસિંહની વિરુદ્ધમાં આવતા તેઓએ કલેકટર સમક્ષ અપીલમાં ગયા હતા. જેમાં આજે કલેકટર દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અગાઉ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહીલે માધાપર અને સરધારની જમીન મામલે માંધાતાસિંહના બહેન રાજકુમારી અંબાલિકા દેવીની તરફેણમાં હુકમ કર્યો હતો. આ હુકમને ઠાકોર સાહેબ માંધાતાસિંહે કલેકટર સમક્ષ પડકાર્યો હતો .
આ કેસમાં આજે બન્ને પક્ષોની સુનાવણી કલેકટરે ફરી એક વખત કરી હતી. બીજી તરફ પેન્ડિંગ કેસોને ધ્યાને લઈને જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ અપીલ મેગા બોર્ડ યોજવાનું શરૂ કર્યું હતું. જે અંતર્ગત આજે 69 કેસોનું સુનાવણી કરવામાં આવી હતી. સવારના સેશનમાં 32 કેસો ધ્યાને લેવામાં આવ્યા હતા. જ્યારે બાદમાં 37 કેસો ધ્યાને લેવામાં આવ્યા હતા.