‘ગૌ-ટેક 2023’નું સમાપન
રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી તથા જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જી.સી.સી.આઇ. (ગ્લોબલ ક્ધફેડરેશન ઓફ કાઉબેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ) આયોજિત ગૌ આધારિત એક્સ્પો “ગૌ-ટેક 2023” સમાપન સમારોહ યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજકોટમાં આયોજિત દેશના સૌપ્રથમ ગૌ આધારિત એક્સ્પોને ઐતિહાસિક બનાવવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું દ્રષ્ટિવંત નેતૃત્વ તેમજ આયોજકોના અથાગ પ્રયત્નોને પરિણામે એક્સ્પો સફળતાપૂર્વક સંપન્ન થઇ રહ્યો છે. ભારતીય સંસ્કૃતિમાં માતા તરીકે પુજાતા શુકનવંતા ગૌવંશનું રક્ષણ કરવું આપણી નૈતિક ફરજ છે. ગાયમાંથી મળતા દુધ, ગોબર, ગૌમુત્રમાંથી ઉત્પાદિત વસ્તુઓ આરોગ્ય માટે હિતકારી છે. દેશના અર્થતંત્રને વેગવંતુ બનાવવામાં ગૌ આધરિત ઉદ્યોગો અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે.
વધુમાં, તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાય વધારવા સંકલ્પ કર્યો છે. ત્યારે દેશભરના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવે તો રસાયણિક ખાતરથી જમીનને બિનઉપજાઉ બનતા અટકાવી ફળદ્રુપ બનાવી શકાય છે. રાસાયણિક ખેતીની સરખામણી એ પ્રાકુતિક ખેતી કરવામાં ખર્ચ ઓછો થવાથી ખેડૂતો આર્થિક રીતે સદ્ધર બને છે. ગૌ આધારિત વૈશ્વિક રોકાણ શિખર સંમેલન અને પ્રદર્શનના સમાપન કાર્યક્રમમાં આયોજકો દ્વારા મંત્રીશ્રીને ગાયની પ્રતિકૃતિ આપીને અભિવાદન કરવામાં આવ્યું હતું. જી.સી.સી.આઈ.ના સ્થાપક ડો. વલ્લભભાઈ કથીરિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમજ પૂર્વ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
આ સમાપન સમારોહમાં બેસ્ટ સ્ટોલ ડિઝાઈન અને બેસ્ટ પ્રોડક્ટ અંગેના આશરે વિવિધ 15 સ્ટોલ્સ અને પ્રોડક્સના માલિકને ગાયની પ્રતિકૃતિ, સર્ટિફિકેટ અને એવોર્ડથી મંત્રીના હસ્તે સન્માનિત કરાયા હતા.
મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ગૌ-ટેક એકસ્પોની લીધી મુલાકાત
જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ રેસકોર્સ મેદાન ખાતે આયોજિત ગૌ ટેક એકસ્પો-2023ની મુલાકાત લીધી હતી. ગ્લોબલ ક્ધફેડરેશન ઓફ કાઉ બેઇઝડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજીત આ એકસ્પોમાં મંત્રીશ્રીએ ટેકનોલોજી આધારિત સંશોધનો, ગૌ ગોબર અને મૂત્ર આધારિત વિવિધ ઉત્પાદનો, કૃષિ યંત્રો, પ્રાકૃતિક ખેતીના ખાતર તેમજ દવાઓ, ગાય માટેના ફાર્માસ્યુટિકલ સંશોધનો, ગૌ આધારિત સંસ્થાઓ વગેરે સ્ટોલની મુલાકાત લઈ રસપૂર્વક માહિતી મેળવી હતી. આ પ્રસંગે જી.સી.સી.આઈ.ના સ્થાપક ડો. વલ્લભભાઈ કથીરીયા તથા અગ્રણી હંસરાજભાઈ ગજેરા, પશુપાલન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.