રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યાના કલાકોમાં પુરજોશમાં સક્રિય થતા મુકેશ દોશી: એકાદ-બે દિવસમાં શિક્ષણ સમિતિના સભ્યો પણ નકકી થઇ જશે
પ્રદેશ ભાજપ દ્વારા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે કમલેશભાઇ મિરાણીના સ્થાને મુકેશભાઇ દોશીની નિયુકિત કરવામાં આવી છે. દરમિયાન ગત સપ્તાહે તેઓએ પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યાની ગણતરી મીનીટોમાં પુરજોશમાં એકિટવ થઇ ગયા છે આજે તેઓ ગાંધીનગરની મુલાકાતે ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રદેશ હાઇકમાન્ડ દ્વારા મુકેશભાઇને માત્ર એકલાને હાજર રહેવા તાકીદ કરી છે. આજે નવનિયુકત પ્રમુખ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકરજીને મળ્યા હતા. શહેર ભાજપના નવા સંગઠન માળખાની રચના અને રાજકોટ મહાનગર પાલિકા સંચાલીત શિક્ષણ સમિતિના 1ર સભ્યોના નામો ફાઇનલ કરવા સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
સામાન્ય રીતે પ્રમુખ પદે ચાર્જ સંભાળ્યા બાદ સંગઠન માળખાની રચના કર્યા પછી તમામ હોદેદારો હાઇ કમાન્ડની શુભેચ્છા મુલાકાતે જતા હોય છે. પરંતુ મુકેશભાઇ દોશી પાસે સમય ખુબ જ ઓછો છે કારણ કે આગામી ગુરુવારે શિક્ષણ સમિતિની ચુંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાના છે અગાઉ શહેર ભાજપ દ્વારા મોકલાયા 4ર નામોમાં ફેરફાર થવાની સંભાવના છે. આજે પ્રદેશ માંથી એક માત્ર મુકેશભાઇને બોલાવવામાં આવ્યા છે. તેઓ સવારે જ ગાંધીનગર પહોંચી ગયા હતા. તેઓ પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલ સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઇ ચાવડા અને સંગઠન પ્રભારી રત્નાકરજીને મળ્યા હતા. શહેર ભાજપના નવા સંગઠન માળખાની રચના કરવા શિક્ષણ સમિતીના 1ર સભ્યો ફાઇનલ કરવા સહિતના મુદાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
શહેર ભાજપના પ્રમુખ તરીકે જે નામો ચાલતા હતા તેઓને સાઇડ લાઇન કરી પ્રદે હાઇકમાન્ડ દ્વારા અણધાર્યુ નામ જાહેર કરવામાં આવ્યું છે. હવે નવનિયુકત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીને પણ ડાયરેકટર પ્રદેશમાંથી આદેશ મળે છે. આજે પ્રથમ મુલાકાતમાં માત્ર તેઓને એકલાને હાજર રહેવા તાકીદ કરાય છે. આને ભલે શુભેચ્છા મુલાકાત ગણાવવામાં આવી રહી હોય પણ સાવ એવું નથી. શુભેચ્છા મુલાકાત જ હોત તો જુના પ્રમુખને પણ સાથે લાવવાની સુચના આપવામાં આવી હતી. આગામી એક થી બે દિવસમાં શિક્ષણ સમિતિના 1ર સભ્યોના નામ ફાઇનલ થઇ જશે જો કે નામોની સત્તાવાર ઘોષણ ગુરુવારે ઉમેદવારી ફોર્મ ભરવાના દિવસે જ કરાશે.