સાથી ડમ્પર ચાલક હુમલો કરી ભાગ્યો: પોલીસે લોકેશનના આધારે વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી દબોચી લીધો
રાજકોટના કુચિયાદડ પાસે જમવાના પૈસા મુદે ડમ્પર ચાલક સાથે સાથી ડ્રાઇવરે ઝઘડો કરી માથામાં હથોડીનો ઘા ઝીંકી દીધો હતો. યુવકને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે પોલીસે મોબાઈલ લોકેશનના આધારે હુમલાખોરને ગણતરીના કલાકોમાં વાંકાનેર બાઉન્ટ્રી પાસેથી ઉઠાવી લીધો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના બેટી રામપર ગામે રહેતા મહેશ અરજણભાઈ બાબરીયા (ઉ.વ.27) કુચિયાદડ ગામ પાસે હતો ત્યારે સમીર સલીમ ચૌહાણ નામના શખ્સે ઝઘડો કરી માથામાં હથોડી મારી દીધી હતી. યુવકને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઇજાગ્રસ્ત મહેશ બાબરીયા અને હુમલાખોર સમીર ચૌહાણ બંને સાથે ડ્રાઇવિંગ કામ કરે છે અને બંને ડમ્પર લઈ રાજકોટથી વાંકાનેર જઈ રહ્યા હતા. ત્યારે કુચિયાદડ ગામ પાસે જમવાના પૈસા મુદ્દે બંને વચ્ચે ઝઘડો થતાં સમીર ચૌહાણએ મહેશ બાબરીયાને માથામાં હથોડી મારી દીધી હતી અને તે નાસી છુટ્યો હતો. ઘટના અંગે જાણ થતા એરપોર્ટ પોલીસે મોબાઈલ લોકેશનના આધારે હુમલો કરી નાસી છૂટેલા સમીર ચૌહાણને વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી ગણતરીની કલાકોમાં ઝડપી લીધો હતો. આ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.