તેલમાં કોટન સીડ ઓઇલની ગેરહાજરી મળી આવી, શ્રીખંડમાં ધારા ધોરણ કરતા ઓછા ફેટ અને દિવેલા ઘીમાં વેજીટેબલ ફેટ અને હળદરની ભેળસેળ
કોર્પોરેશનની ફૂડ શાખા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી લેવામાં આવેલા ત્રણ ખાદ્ય સામગ્રીના નમુના પરીક્ષણ દરમિયાન નાપાસ જાહેર થયા છે.કપાસિયા તેલ,લુઝ શ્રીખંડ અને દિવેલના ઘીનો નમુનો નપાસ જાહેર કરાયો છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ફૂડ શાખા દ્વારા શહેરના ચુનારાવાડ વિસ્તારમાંથી સુનિલભાઈ રાવતાણીની દુકાનમાંથી સ્વસ્તિક રિફાઇન્ડ કપાસિયા તેલનો નમુનો લેવામાં આવ્યો હતો.પરીક્ષણ રિપોર્ટમાં કોટન સીડ ઓઇલની ગેરહાજરીના કારણે સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયું છે.જ્યારે લોગા પર એફ.એસ.એસ.એ.આઈ. અને ફૂડ લાઇસન્સ નંબર તથા એક્સપાયરી ડેટ દર્શાવવામાં ન આવી હોવાના કારણે નમુનો મિસ બ્રાન્ડેડ જાહેર થયો છે.આ ઉપરાંત મોચીનગર હાઉસિંગ સોસાયટીમાં જીગ્નેશ ભાઈ રૂપારેલીયાની માલિકીના જય કલ્યાણ એન્ટરપ્રાઇઝમાંથી લુઝ ફ્રુટ શિખંડનો નમુનો લેવાયો હતો જેમાં મિલ્ક ફેટ ધારા ધોરણ કરતા ઓછા હોવાના કારણે નમુનો સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાયો છે. આ ઉપરાંત કોઠારીયા રોડ પર નિશાંત સતાસિયાની દુકાન માચીસ દિવેલના ઘીનો નમુનો લેવાયો હતો.જેમાં વેજીટેબલ ફેટ અને હળદરની હાજરી મળી આવતા સેમ્પલ ફેઇલ ગયો છે.
આજે ફૂડ વિભાગ દ્વારા ગાયત્રી નગર મેઇન રોડ અને કેવડા વાળી મેઇન રોડ પર ખાણી પીણીના 40 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરાયું હતું જે અંતર્ગત 11 ધંધાર્થીઓને લાયસન્સ અંગે તાકીદ કરાય હતી 15 નમૂનાનો ચેકિંગ કરાયું હતું. જ્યારે અલગ અલગ વિસ્તારોમાંથી ખાદ્ય સામગ્રીના નમૂના લેવાયા છે. જેમાં રામકૃષ્ણ નગર મેઇન રોડ પર ફાયર ગ્રીલ પીઝા વિલિયમ ઝોન પીઝામાંથી ગો નેચરલ ચીઝનો, ફ્રુટ કોસ્ટ મેયોનીઝ, ક્રિસ્ટલ એન્ટરપ્રાઇસ લા મીલનો પીઝેરીયાંમાંથી લા મીલનો પીઝેરિયા સોસ અને ચીઝનો જ્યારે જય શિવ જલારામ એન્ટરપ્રાઇઝમાંથી ઈટ લાઈટ ફેટ સ્પ્રેડનો નમુનો લેવાયો હતો.આ ઉપરાંત મોઝરેલા ચીઝ અને મેયોનીઝનો સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું છે.