રૂ. 7 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા આચરવામાં આવેલા કૌભાંડનો સીજીએસટીએ કર્યો પર્દાફાશ, બે વેપારીઓની ધરપકડ
અમદાવાદમાં રૂ. 7 કરોડની વેરાશાખ મેળવવા 8 બોગસ પેઢી ઉભી કરી રૂ. 40 કરોડના બોગસ બીલો બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. આ કૌભાંડમાં સીજીએસટીએ સ્ક્રેપના બે વેપારીઓની ધરપકડ કરી છે.
સીજીએસટી કમિશનરેટની ટીમે રૂ.7 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ની ચોરી બદલ અમદાવાદના બે વેપારીની ધરપકડ કરી છે. જયમિન એન્ટરપ્રાઇઝ નામની કંપનીએ 8 ભૂતિયા કંપની બનાવી 40 કરોડના બિલને આધારે 7 કરોડની આઇટીસીની ગોલમાલ કરી હતી. વિભાગે આ કંપનીના માલિક જીજ્ઞેશ પટેલ અને જયસુખ મોડાસિયાની ધરપકડ કરી હતી.
વસ્ત્રાલ શારદા બા સ્કૂલ પાસેના મારુતિ હાઇટમાં આવેલી જયમિન એન્ટરપ્રાઇઝે સ્ક્રેપની બોગસ પેઢી બનાવી હતી. અમરાઇવાડીના કનિશ્કા એપાર્ટમેન્ટમાં રહેતા 46 વર્ષના જયસુખ મોડાસિયા અને 39 વર્ષના જીજ્ઞેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. વિભાગને તપાસમાં જાણવા મળ્યું હતું કે, શરૂઆતમાં આ પેઢીના રૂ.46 લાખના વ્યવહારો થયા હતા જે અચાનક વધીને રૂ.40 કરોડે પહોંચી ગયા હતા. વિભાગે શંકાના આધારે આ પેઢીની તપાસ હાથ ધરી હતી.
તપાસમાં જયસુખ મોડાસિયા અને જીજ્ઞેશ પટેલે તેમના અન્ય સહયોગીઓ સાથે મળીને છેતરપિંડીની યોજના બનાવી હતી. ખરીદી માત્ર કાગળ પર હતી અને 18 ટ્રાન્સપોર્ટરોએ તેમના નિવેદનોમાં પુષ્ટિ કરી છે કે તેઓએ જયમિન એન્ટરપ્રાઇઝને કોઈ માલ સપ્લાય કર્યો નથી અને તેમની સંમતિ વિના ઈ-વે બિલ જનરેટ કરવા માટે તેમના વાહન નંબરોનો કપટપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો હતો. જયસુખ મોડાસિયા અને જીજ્ઞેશ પટેલનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. જેમાં બંનેએ કબૂલાત કરી હતી કે જયમિન એન્ટરપ્રાઈઝને આ પેઢીઓ પાસેથી કોઈ માલ મળ્યો નથી અને માત્ર ઈન્વોઈસ મેળવ્યા છે અને આ પેઢીઓ દ્વારા ઈશ્યૂ કરાયેલ ઈન્વોઈસના આધારે રૂ. 40 કરોડના ઈનવોઈસીસમાં ઉપરોક્ત દર્શાવવામાં આવેલા પુરવઠા વગર જ રૂ. 7 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ લીધી હતી. ડિપાર્ટમેન્ટે હાથ ધરેલી સ્પેશિયલ ડ્રાઇવમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વિભાગ વધુ તપાસ ચલાવી રહ્યો હોવાથી કૌભાંડની રકમ વધી શકે છે.