બોર્ડ ખંડિત હોય શિક્ષણ સમિતિની ચૂંટણી મુલતવી રાખવાની પણ માંગ: ભાજપના ત્રણ કોર્પોરેટરો પોતાના સંપર્કમાં હોવાની પણ શેખી
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આગામી 19મી જૂને યોજાનારી ચૂંટણીમાં ઝંપાલવાના મૂડમાં છે. આજે કોંગ્રેસના આગેવાનો ફોર્મ ઉપાડવા માટે આવ્યા હતા. દરમિયાન મેયરની ગેરહાજરી હોવાના કારણે તેઓને ઉમેદવારી ફોર્મ મળી શક્યુ ન હતું. બોર્ડ ખંડિત હોવાના કારણે શિક્ષણ સમિતિની ચુંટણી મૂલત્વી રાખવાની પણ માંગણી કરવામાં આવી હતી. બીજી તરફ એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે ચૂંટણીમાં ભાજપના ત્રણ કોર્પોરેટરો કોંગ્રેસના ઉમેદવારને ટેકો આપવા માટે તૈયાર છે.
શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ સંજય અજુડીયાની આગેવાનીમાં આજે મેયરને સંબોધીને એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં એવી માંગણી કરવામાં આવી હતી કે વોર્ડ નં.15ના બે કોર્પોરેટરોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. સાથોસાથ તેઓએ કોર્ટમાં કેસ કર્યો છે. જે પેન્ડિંગ છે. તેઓ પોતાનો મત્તાધિકારનો પ્રયોગ કરી શકે તેમ નથી. જ્યાં સુધી બોર્ડમાં તમામ 72 કોર્પોરેટરોને મત્તાધિકાર પ્રાપ્ત ન થાય ત્યાં સુધી શિક્ષણ સમિતિની ચુંટણી મુલત્વી રાખવામાં આવે. જો આ અંગે ટૂંક સમયમાં કોઇ જાહેરાત કરવામાં નહિં આવે તો કોંગ્રેસ દ્વારા કોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે.
શિક્ષણ સમિતિના 12 સભ્યોની ચૂંટણી યોજાવાની છે. જેના માટે ફોર્મ ભરવાની તારીખ 1 જૂન નિયત કરવામાં આવી છે. કોંગ્રેસ પાસે હાલ માત્ર બે કોર્પોરેટરની સંખ્યાબળ હોવાના કારણે એકપણ સભ્ય શિક્ષણ સમિતિમાં ચૂંટાઇ આવે તેવી સ્થિતી નથી. છતાં કોંગ્રેસના આગેવાનો કૂકરી ગાંડી કરવાના મૂડમાં છે. આજે ઉમેદવારી ફોર્મની પણ માંગણી કરવામાં આવી હતી. પરંતુ ચૂંટણી અધિકારી એવા મેયર ડો.પ્રદિપ ડવ બે દિવસ હાજર ન હોવાના કારણે તેઓની ગેરહાજરીમાં ફોર્મ આપી શકાયુ ન હતું. કોંગ્રેસ તરફથી શિક્ષણ સમિતિના ઉમેદવાર તરીકે વિજયસિંહ જાડેજા, રણજીત મુંધવા અથવા કમલેશ કોઠીવાર પૈકી કોઇ એકને ફોર્મ ભરાવવામાં આવશે. હાલ માત્ર 70 કોર્પોરેટરો છે. આવામાં એક સભ્યની નિયુક્તિ માટે ઓછામાં ઓછા પાંચ અને વધુમાં વધુ 6 સભ્યોની જરૂર પડે છે. કોંગ્રેસનો એકપણ સભ્ય ન ચૂંટાઇ તેવી સંપૂર્ણ શક્યતા છે છતા આજે ઉમેદવારી ફોર્મ લેવા આવેલા કોંગ્રેસના આગેવાનોએ એવો દાવો કર્યો છે કે શિક્ષણ સમિતિની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપવા માટે ભાજપના ત્રણ કોર્પોરેટરોએ રાજીપો વ્યક્ત કર્યો છે. આગામી દિવસોમાં નવા જૂની થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.