બહુલવાદી સંસ્કૃતિએ વિશ્વમાં ભારતની વિશ્વસનીયતા વધારી છે : નીતિશ કુમાર
અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક આચાર્ય ડો. લોકેશજી બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમારને દિલ્હીમાં મળ્યા અને દેશ અને વિશ્વમાં ભારતીય મૂલ્યો પર આધારિત માનવ એકતા અને વિવિધ મહત્વના રાષ્ટ્રીય મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી. આ પ્રસંગે આચાર્ય લોકેશજીએ અહિંસા વિશ્વ ભારતી દ્વારા સ્થાપિત ભારતના પ્રથમ ‘વલ્ર્ડ પીસ સેન્ટર’ વિશે માહિતગાર કર્યા હતા.
વિશ્વ શાંતિ દૂત આચાર્ય ડો.લોકેશજીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, હાલમાં વિશ્વને ભારતીય મૂલ્યોના માર્ગદર્શનની જરૂર છે જેથી સમગ્ર વિશ્વમાં માનવીય એકતા, શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ સર્જાય. આચાર્યશ્રીએ જણાવ્યું કે ’વલ્ર્ડ પીસ સેન્ટર’ વિશ્વમાં શાંતિ અને સંવાદિતાની સ્થાપના માટે કામ કરશે. આ કેન્દ્રમાં પ્રાચીન જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનના સમન્વયથી તૈયાર કરાયેલ શાંતિ શિક્ષણના કાર્યક્રમો યોજાશે. ’વલ્ર્ડ પીસ સેન્ટર’ લોકોના માનસિક, ભાવનાત્મક અને ચારિત્ર્ય વિકાસ માટે સમર્પિત હશે. ’વલ્ર્ડ પીસ સેન્ટર’ વ્યક્તિ નિર્માણ માટેનું વિશ્વ કક્ષાનું મુખ્ય કેન્દ્ર હશે, જ્યાં ધ્યાન, યોગ, ભારતીય સંસ્કૃતિ અને જૈન જીવનશૈલી આધારિત વૈજ્ઞાનિક કાર્યક્રમો દ્વારા યુવાનોના વ્યક્તિત્વ વિકાસ, મહિલા સશક્તિકરણ અને બાળકોની સંસ્કૃતિના વિવિધ આયામો પણ હાથ ધરવામાં આવશે.બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે બહુલવાદી સંસ્કૃતિએ વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધારી છે. બિહાર એ ભગવાન મહાવીર અને મહાત્મા બુદ્ધની ભૂમિ છે, બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમારે આચાર્ય લોકેશજીને બિહાર સરકાર દ્વારા ભગવાન મહાવીરની નિર્વાણ સ્થલી ખાતે આયોજિત પાવાપુરી મહોત્સવમાં આમંત્રણ આપ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આચાર્ય લોકેશજી દ્વારા સ્થાપિત અહિંસા વિશ્વ ભારતી સંસ્થા તેમના માર્ગદર્શન હેઠળ દેશ અને વિશ્વમાં શાંતિ, એકતા અને ભાઈચારાની ભાવના ફેલાવવામાં હંમેશા સક્રિયપણે ભાગ લે છે. આપણું સૌભાગ્ય છે કે આચાર્ય લોકેશજી જેવા મહાન સંત હંમેશા ભારતીય મૂલ્યોને જીવંત રાખવા અને વિશ્વભરના મંચ પરથી ભારતીય સંસ્કૃતિનો મહિમા કરવાનો પ્રયત્ન કરે છે. તેમણે આચાર્ય ડો. લોકેશજીની દેખરેખ હેઠળ દિલ્હી એનસીઆરમાં અહિંસા વિશ્વ ભારતી સંસ્થા દ્વારા બનાવવામાં આવી રહેલા ભારતના પ્રથમ “વિશ્વ શાંતિ કેન્દ્ર” માટે આચાર્ય લોકેશજીને આગોતરી શુભેચ્છાઓ પાઠવી હતી અને કહ્યું હતું કે આ કેન્દ્ર વિશ્વભરમાં શાંતિ સ્થાપવામાં ઉપયોગી સાબિત થશે. દેશના તમામ રાજ્યોમાં આવા શાંતિ કેન્દ્રો સ્થાપવાની જરૂર છે.