કૌટુંબીક ભાઈ ગઈકાલથી ગુમ થયા બાદ બંનેની લાશ ચેકડેમ માંથી મળી આવતા પરિવારમાં અરેરાટી
રાજકોટ નજીક ગોંડલ ખાતે આવેલા વાસાવડ ગામે ચેક ડેમમાંથી બે સગીર કૌટુંબીક ભાઈઓના મૃતદેહો મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ બનાવની જાણ થતા જ પોલીસ સ્ટાફ અને ફાયર બ્રિગેડ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી જઇ બંને ભાઈઓના મૃતદેહોને બહાર કાઢવાની જેહમત હાથ ધરી હતી. આ બનાવની જાણ મૃતકના પરિવારજનોને થતા તેમના પર આભ ફાટ્યું હતું.
આ મામલે બનાવવાની મળતી વિગતો અનુસાર ગોંડલ ખાતે આવેલા ચેકડેમમાંથી બે સગીર યુવાનના મૃતદેહ મળ્યા ની જાણ ફાયર બ્રિગેડ અને પોલીસ સ્ટાફને થતા તેઓ ઘટના સ્થળે તાત્કાલિક દોડી ગયા હતા અને બંનેના મૃતદેહોને ડેમમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. જ્યારે બંનેના મૃત દેહને બહાર કાઢ્યા બાદ તેમની ઓળખ મેળવતા જાણવા મળ્યું હતું કે,તેમનું નામ યાસીન મજીદ ભાઈ બાવનકા(ઉ.વ.14) અને મોહીન રજાકભાઈ કાલવા(ઉ.વ.10) હોવાનું જાણવા મળ્યું હતું.
આ બનાવની જાણ મૃતકના પરિવારજનોને થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.અને તેમને જણાવ્યું હતું કે બંને સગીર મામા ફઈ ના ભાઈઓ છે અને તે ગઈકાલ રાતના જ પોતાના ઘરેથી ગુમ થઈ ગયા હતા. જ્યારે આજે સવારે તેમના બંનેના મૃતદેહો ચેકડેમમાંથી મળી આવતા પરિવારમાં માતમ છવાયો છે.હાલ પોલીસે બંને સગીર ભાઈઓના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.