પરિવારજનોએ વીજ કર્મી પર કર્યા બેદરકારીના આક્ષેપ: યુવાનની હાલત ગંભીર
મોરબીના માણેકવાડામાં જીઈબીના કર્મચારીઓની બેદરકારી સામે આવી છે. જેમાં જીઇબીના કર્મચારીઓએ પંચરના ધંધાર્થીને વીજ સ્થભ પર ચડાવતા યુવકને કરંટ લાગતા ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પરિવારજનોએ વીજ કર્મીઓ પર બેદરકારીના આક્ષેપો કર્યા છે જ્યારે યુવકની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબી તાલુકાના માણેકવાડા ગામે રહેતા અને પંચરનું કામ કરતા રમઝાન તૈયબભાઈ સુમરા નામનો 25 વર્ષનો યુવાન સાંજના સાતેક વાગ્યાના અરસામાં જીઇબીના થાંભલા ઉપર ચડતા તેને વીજ શોક લાગ્યો હતો તેને બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ અંગે પોલીસની પ્રાથમિક પૂછપરમાં જાણવા મળ્યા મુજબ રમઝાન સુમરા ચાર ભાઈ બે બહેનમાં નાનો અને તેને પંચરની દુકાન છે. વીજ કંપનીના કર્મચારીઓએ રમઝાન સુમરાને વાયર રીપેરીંગ માટે વીજ સ્થંભ ઉપર ચડાવતા વીજ શોક લાગ્યો હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.