26 જાન્યુતારી, 2023- દિલ્હીના કર્તવ્યપથ પર પ્રજાસત્તાક દિન નિમિત્તે યોજાયેલી પરેડના ભાગ રૂપે દેશના બધાં જ રાજ્યોનાં પરંપરાગત લોકનૃત્યોની પ્રસ્તુતિ થઈ, જેને તમામ દેશવાસીઓએ ગૌરવભેર અને દુનિયાભરના લોકોએ કુતુહલલભૈર નિહાળી. આ વર્ષના આ જાજરમાન કાર્યક્રમની વિશેષતા એ હતી કે, આખાયે રોડ – શોનું સંકલન ગોંડલના એક ગુજરાતી યુવાને કર્યું હતું , આ જ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ ભાવનગરની એક સંસ્થાએ કર્યું હતું. તો એ જ દિવસે જાપાનમાં સાંસ્કૃતિક વિનિમય અંતર્ગત ગુજરાતની એક ટીમ રાસ- ગરબાથી મંચ શોભાવતી હતી. આવા સંખ્યાબંધ ઉદાહરણો છે , જેમાં નર્તકોએ પોતાના રાજ્ય કે રાષ્ટ્રની સંસ્કૃતિને દુનિયાભરમાં નેત્રદીપક રીતે પ્રસ્તુત કરી હોય.
મૂળ વાત એ છે કે, ભારતમાં પરંપરાગત રીતે પેઢીઓથી નૃત્યનું શિક્ષણ અપાતું રહ્યું છે. નૃત્ય અતિ પ્રાચીન સમયથી કલાના એક સ્વરૂપ તરીકે અને કારકિર્દી તરીકે પણ અસ્તિત્વમાં છે જ. તેમ છતાં હજુ હમણાં સુધી તેને ‘ શિષ્ટ કારકિર્દી ’ તરીકે સ્વીકૃતિ મળી નહોતી. હંમેશાં પોતાના ઉત્સવો અને હર્ષના પ્રસંગોને નૃત્યથી ઊજવતી આપણી પ્રજાએ હવે છેલ્લાં બે ચાર દાયકાઓથી માંડ માંડ નૃત્યને કારકિર્દી તરીકેની સ્વીકૃતિ આપી છે.
નૃત્ય એ કોઈ પણ ઉજવણીની ભારતીય રીત છે . તહેવારોથી માંડીને પાર્ટીઓ સુધી, જન્મદિવસની માંડીને લગ્ન સુધી, જૂના બોલિવુડથી માંડી ને નવા જમાનાની ડાન્સ ઇન્ડિયા ડાન્સ જેવી સ્પર્ધા સુધી આપણા મનોરંજનનું એ ખૂબ મહત્ત્વપૂર્ણ માધ્યમ છે. કૌટુંબિક મેળાવડો હોય કે કોર્પોરેટ મિટિંગ – આપણે ત્યાં નૃત્ય અનિવાર્ય છે. આ ઉપરાંત ફિલ્મ, ટેલિવિઝન અને સ્ટેજ પર્ફોર્મન્સમાં નર્તકો માટે તકો વધી રહી છે અને તેથી જ કારકિર્દી તરીકે પણ નૃત્યમાં રુચિ વધતી જાય છે.
એક જમાનામાં નૃત્ય માત્ર શોખ હતો, હવે નૃત્ય એ માત્ર શોખ નથી – એનાથી કંઈક વિશેષ છે. નૃત્ય એટલે માત્ર શાસ્ત્રીય કે લોકનૃત્યો જ ! એ વ્યાખ્યા પણ હવે બદલાઈ છે. નૃત્ય માત્ર છોકરીઓ પૂરતું પણ મર્યાદિત નથી રહ્યું. આજે મેટ્રો શહેરોથી માંડીને નાનાં
નગરો સુધી નૃત્ય પ્રત્યેની જાગૃતિ વધી છે અને યુવા પેઢી પાસે તેમના આ પેશનને પ્રોફેશનમાં બદલવાના દ્વારો ખૂલ્યા. લોકોનો નૃત્યની કારકિર્દી તરફનો દ્રષ્ટિકોણ બદલાઈ રહ્યો છે, કારણ કે વૈશ્વીકરણને કારણે દુનિયા સાવ નાની બની રહી છે ત્યારે ભારતના વાલીઓ હવે જુએ છે અને સમજે છે કે, દેશ અને દુનિયામાં હજારો લોકો આ ક્ષેત્રમાં સફળ કારકિર્દી ઘડી ચૂક્યા છે, અને આ ક્ષેત્રમાં હવે પ્રગતિની તકો જણાઈ રહી છે.
એક બીજું કારણ એ પણ છે કે, દુનિયાભરમાં સંગીતના ક્ષેત્રે ખૂબ કામ થઈ રહ્યું છે અને એમ કહેવાય છે કે ‘ નર્તન એ સંગીતનું દ્રશ્ય સ્વરૂપ છે. સ્વાભાવીક રીતે સંગીતના ક્ષેત્રનો વિકાસ થાય એની સાથેસાથે નૃત્યના ક્ષેત્રમાં પણ તકોનો વિકાસ થઈ રહ્યો છે.
નૃત્ય હવે માત્ર કલા સ્વરૂપના પરિચમાંથી બહાર નીકળી ગયું છે. કારણ કે દુનિયાભરના લોકો તંદુરસ્ત જીવનશૈલી માટે ખૂબ જાગૃત થયા છે અને નૃત્ય હવે આ તંદુરસ્ત જીવનશૈલીનો પણ એક ભાગ બની ગયું છે . યાંત્રિકીકરણની સાથે વધતા જતા સ્ટ્રેશને દૂર કરવાનું અને લાગણીઓની અભિવ્યક્તિનું એકમાત્ર માધ્યમ બની ગયું છે. મોબાઇલના આ જમાનામાં હવે માતા પિતા પણ ઇચ્છે છે કે એમનું સંતાન કોઈ શારીરિક શ્રમવાળી પ્રવૃત્તિમાં જોડાય અને તેવા સમયે નૃત્ય એમની પસંદગીનાં ક્ષેત્રો પૈકીનું એક છે. આ કારણોને લીધે હવે નૃત્યના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવામાં પોતાની મંજૂરી પણ મળે છે અને સમય જતાં આ જ માર્ગે કીર્તિે અને કલદાર પણ મેળવી શકાય છે.
એક વાત નક્કી છે કે નૃત્ય એ પરફોર્મિંગ આર્ટ છે અને કોઈ પણ કલા સતત સાધના પર સિદ્ધ કરી નથી એટલે આ ક્ષેત્રમાં આવવા માગતા લોકોએ એક વાત બરાબર સમજી લેવી જોઈએ કે માત્ર વીડિયો જોઈને નૃત્યગુરુ બની શકાય નહીં મૌલિક નૃત્ય શીખવતા ગુરુ પાસેથી શીખીને , નિયમિત રીતે કઠોર રિયાઝ પ્રેક્ટિસ કરતા રહી સતત પોતાની જાતનો સુધારો કરતા રહેવાની તૈયારી હોય તો જ આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું વિચારજો .
ડાન્સ ગુરુ શ્યામક દાવર કહે છે કે , નૃત્ય સતત શીખવાની પ્રક્રિયા છે તેથી એક સારા નર્તક કોરિયોગ્રાફર બનવા માટે તમારે સતત નવું નવું શીખતા રહેવું પડે અને તમારા વિદ્યાર્થીઓને તેમની ક્ષમતા , ફિટનેસ અને સ્ટ્રેન્થ માટે માર્ગદર્શન આપતા રહેવું પડે , કારણ કે તમારા વિદ્યાર્થીઓ જ તમારું પ્રતિબિંબ હશે . નૃત્યને કારકિર્દી તરીકે સ્વીકારવા ઇચ્છતા લોકોએ ખરેખર નર્તન એટલે શું અને વ્યક્તિમાં કેવી રીતે પરિવર્તન લાવી શકે એ વાત સારી પેઠે સમજવાની જરૂર છે . ભારતીય શાસ્ત્રીય નૃત્યશૈલીઓ અને લોકનૃત્ય તો અલબત્ત ઉત્તમ છે જ પણ આજકાલ હવે આપણા દેશમાં પણ વિદેશી નૃત્ય પ્રકારો ખુલ્લા દિલે સ્વીકારાઈ રહ્યા અને વિદેશી સમકાલીન નૃત્ય પ્રકારોની માંગ વધી રહી છે .
અત્યારે નૃત્યના ક્ષેત્રમાં કારકિર્દી ઘડવાના જે વિકલ્પો છે તે પૈકીના કેટલાક જોઈએ તો, જુદા જુદા વયજૂથનાં વિદ્યાર્થી- વિદ્યાર્થિનીઓને વ્યક્તિગત કે બેચમાં કોચિંગ આપવું , શાળાઓ અથવા કોર્પોરેટમાં ડાન્સ ટીચર તરીકે કામ કરવું, જુદા જુદા લાઇવ શોઝ માટે કોરિયોગ્રાફી કરવી અને પરફોર્મ કરવું, લગ્ન કે અન્ય સમારંભોના પરફોર્મન્સ અને ફી, સેલિબ્રિટી ડાન્સ, ડાન્સર સ્ટેજ પ્રોડક્શન્સ ડાન્સ ઈવેન્ટ મેનેજર વગેરે જેવા વિકલ્પો છે. જો કે જાણીતા તમામ ડાન્સગુરુઓ એક વાત ચોક્કસ કહે છે કે, જો તમને નૃત્યમાં રસ હોય તો જ આ કારકિર્દી પસંદ કરવી જોઈએ. સારા નર્તક બનવા માટે લવચીક અને ચપળ શરીર અને લય પારખનાર કાન હોવા જોઈએ. નૃત્ય શીખવાનું શરૂ કરવા માટે આમ તો ઉમરનું કોઈ બંધન નથી. પરંતુ કોઈ પણ નૃત્ય સ્વરૂપ માટે શારીરિક તંદુરસ્તી અનિવાર્ય આવશ્યકતા છે. આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે સૌથી પહેલાં તો પ્રબળ ઇચ્છા અને પછી વર્ષો સુધી તાલીમ માટેની ધીરજ, શિસ્ત અને સફળતા માટેનો દ્રઢ વિશ્વાસ જરૂરી છે.
સામાન્યત: નૃત્ય શિક્ષણ ત્રણ શ્રેણીઓમાં વહેંચાય છે : શાસ્ત્રીય, આધુનિક અને ફિટનેસ. શાસ્ત્રીય નૃત્ય માટે નિશ્ચિત અભ્યાસક્રમ છે. પરંપરાગત રીતે માન્યતા પ્રાપ્ત ગુરુઓ પાસેથી તે શીખી શકાય છે યુનિવર્સિટીઝ પણ તેનો ડિપ્લોમાથી માંડીને પીએચ.ડી. સુધીના વર્ગો ચલાવે છે. આધુનિક નૃત્યોમાં આજે ફ્યૂઝન ડાન્સ એ ભારતમાં નૃત્યનું ઊભરતું સ્વરૂપ છે પણ હજુ વિદેશી કે ફ્યૂઝન નૃત્ય પ્રકારો માટે કોઈ નિશ્ચિત અભ્યાસક્રમને સરકાર તરફથી માન્યતા પ્રાપ્ત નથી. અલબત્ત, જાણીતા કલાકારોએ પોતાના અનુભવથી અભ્યાસક્રમો બનાવીને પોતાની એકેડમીમાં નૃત્યનો અભ્યાસક્રમો શરૂ કર્યા આ અભ્યાસક્રમોનો સામાન્ય રીતે નૃત્યના ે ઈતિહાસ, ટેકનિક , સિદ્ધાંત અને પ્રસ્તુતિને આવરી લે છે.
ગુજરાતમાં ઘણી ડાન્સ સ્કૂલ્સ અને અકાદમી છે. જે નૃત્ય અભ્યાસક્રમો ઓફર કરે છે . ગુજરાતમાં કેટલાક લોકપ્રિય નૃત્ય અભ્યાસક્રમોમાં નીચેનાનો સમાવેશ થય છે.
1.ભરતનાટ્યમ્ 2. કથક, 3. ગરબા, 4 બોલિવુડ ડાન્સ, 5. સમકાલીન નૃત્ય, 6. સાલસા ડાન્સ, 7. હિપ હોપ ડાન્સ, 8. એરોબિક ડાન્સ, 9. ઝુમ્બા ડાન્સ.
શાસ્ત્રીય નૃત્યમાં યુનિવર્સિટીમાં સર્ટિફિકેટ, ડિપ્લોમા, સ્નાતક
(BPA- Bachelor of Performing Arts) અનુસ્નાતક (MPA- Master of Perforning Arts) અને ડોક્ટરેટ સુધીના કોર્સીઝ ઉપલબ્ધ છે , જે મોટા ભાગની સારી યુનિવર્સિટીમાં ચાલે છે . બનારસ હિન્દુ યુનિવર્સિટી (વારાણસી ), સાવિત્રીબાઈ ફૂલે યુનિ., મુંબઈ યુનિ . ક્રાઈસ્ટ યુનિ . (બેંગલોર) વગેરે એ પૈકીની છે . ગુજરાતમાં પણ અભ્યાસક્રમો અમદાવાદ સુરત, રાજકોટ અને વડોદરા જેવાં શહેરોમાં મળી શકે છે. આ અભ્યાસક્રમ બારમા ધોરણ પછી થાય છે, જેમાં પ્રવેશ માટે સામાન્ય રીતે 45 % ની જરૂરિયાત રહે છે જો કે, આ કલા વિષયક અભ્યાસ હોવાથી પ્રવેશ પરીક્ષા (Aptitude test) પણ લેવામાં આવતી હોય છે.
યુનિવર્સિટી સિવાય અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય મંડળ નામની સરકાર દ્વારા માન્ય સંસ્થા પોતાનાં અધિકૃત કેન્દ્રો મારફતે નાના નગરો સુધી શાસ્ત્રીય નૃત્યમાં વિશારદ (સ્નાતક સમકક્ષ), અલંકાર (અનુસ્નાતક સમકક્ષ ) .ભૂષણ ( ડોક્ટરેટ સમકક્ષ ) , શિયા વિશારદ (B.Ed. સમકક્ષ) ના અભ્યાસક્રમો ચલાવે છે.
લગભગ દરેક મોટા શહેરમાં વેસ્ટર્ન ડાન્સ માટે ક્લાસિઝ શરૂ થઈ ગયા છે . આ ઉપરાંત ઓન લાઇન શીખવાનો વિકલ્પ પણ ખુલ્લો છે. ટૂંકમાં, જેમને ખરેખર નૃત્યમાં રસ હોય, આજીવન નવું શીખતા રહેવાની તૈયારી હોય, શારીરિક રીતે સક્ષમ હોય એમના માટે નૃત્યના ક્ષેત્રમાં કારકિર્દી ખૂબ સુક્ષ્મ વિકલ્પ છે.