ચીને ભાગ ન લેવા પાછળનું કારણ એવું દર્શાવ્યું કે સ્થળ વિવાદિત છે : ભારતે વળતો જવાબ આપ્યો કે અમારા ક્ષેત્રમાં અમે ક્યાંય પણ બેઠક યોજી શકીએ
શ્રીનગરમાં 22થી 24 દરમિયાન યોજાનાર જી-20ની બેઠકને લઈને ચીન આડું ફાટ્યું છે. ચીને આ બેઠકમાં તેમાં સામેલ થવાનો ઈન્કાર કરી દીધો છે.
ચીનના વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન જારી કરીને બેઠકના બહિષ્કારની પુષ્ટિ કરી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વાનબિને કહ્યું, ચીન વિવાદિત ક્ષેત્ર પર કોઈપણ પ્રકારની જી-20 બેઠકનો સખત વિરોધ કરે છે. ચીનના આ નિવેદન સામે ભારતે વાંધો ઉઠાવ્યો છે. ભારતે પાડોશી દેશને જવાબ આપતા કહ્યું કે, તે પોતાના ક્ષેત્રમાં મીટિંગ કરવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે. અગાઉ માર્ચમાં જ્યારે જી-20ની બેઠક અરુણાચલ પ્રદેશમાં થઈ હતી. ત્યારે પણ ચીને બેઠકમાં ભાગ લીધો ન હતો, ત્યારે પાકિસ્તાને ચીનના આ બહિષ્કારનું સમર્થન કર્યું હતું.
કાશ્મીરમાં જી-20 મીટિંગના વિરોધમાં ચીન અને પાકિસ્તાન દરેક વખતે સાથે ઉભા જોવા મળ્યા હતા. આ મહિનાની શરૂઆતમાં, ચીન અને પાકિસ્તાન બંનેએ સંયુક્ત નિવેદન જારી કરતી વખતે લાંબા સમયથી ચાલી રહેલા કાશ્મીર વિવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો.
પાકિસ્તાનના બચાવમાં આવતા ચીને કહ્યું હતું કે, “ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર વિવાદ લાંબા સમયથી અટવાયેલો છે અને કોઈ એકપક્ષીય કાર્યવાહીને ટાળીને યુએનના ઠરાવો અનુસાર તેનો ઉકેલ લાવવો જોઈએ.”
જ્યારે ચીન અને પાકિસ્તાને આ બેઠકથી અંતર રાખ્યું હતું. તે જ સમયે કેટલાક અન્ય દેશો પણ છે જેમણે બેઠકમાં ભાગ લેવા માટે તેમની સંમતિ આપી નથી. મંત્રાલયે શુક્રવારે કહ્યું કે ચીન સિવાય તુર્કી અને સાઉદી અરેબિયાએ પણ શ્રીનગરમાં જી20 ટુરિઝમ ગ્રુપની બેઠકમાં ભાગ લેવા માટે નોંધણી કરાવી નથી. જો કે, રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 22 મે છે.
તુર્કી અને સાઉદી અરેબિયા બંને ઓઆઇસીના સભ્ય છે. પાકિસ્તાનની જેમ આ દેશો ભારત પર જમ્મુ-કાશ્મીરમાં માનવાધિકારના કથિત ઉલ્લંઘનનો આરોપ લગાવી રહ્યા છે. જો કે, ઓગસ્ટ 2019 માં કલમ 370 નાબૂદ કર્યા પછી જમ્મુ અને કાશ્મીરમાં પ્રથમ મોટા સંઘર્ષ તરીકે જી20 બેઠકની યજમાની કરવાના ભારતના નિર્ણયના સંદર્ભમાં ત્રણ જી20 સભ્ય દેશોની ગેરહાજરીને ત્રણ દેશો દ્વારા વ્યૂહાત્મક પગલા તરીકે જોવામાં આવે છે.