રૂ.16 લાખના ખર્ચે 11 સીટર બે બેટરી ઓપરેટેડ કાર ખરીદવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત
કોર્પોરેશન દ્વારા આજી ડેમ પાસે બનાવવામાં આવેલા રામવન ખૂબ જ ટૂંકા સમયગાળામાં સહેલાણીઓ માટે લોકપ્રિય ફરવા લાયક સ્થળ બની ગયું છે. જ્યાં લોકોની સુવિધા માટે આગામી દિવસોમાં કોર્પોરેશન દ્વારા બેટરીવાળી કાર દોડાવવામાં આવશે. રૂ.16 લાખના ખર્ચે 11 સીટર બે બેટરી ઓપરેટેડ કાર ખરીદવા માટે સ્ટેન્ડિંગ કમિટિ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આવતીકાલે ચેરમેન પુષ્કરભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અલગ-અલગ 45 દરખાસ્તો પર નિર્ણય લેવામાં આવશે.
રામવનમાં બેટરી ઓપરેટેડ કારની ખરીદી કરવા માટે ટેન્ડર પ્રસિદ્વ કરાયા હતા. જેમાં પાંચ એજન્સીઓ ઓફર આપી હતી. નિયમ મુજબ માત્ર બે એજન્સી ક્વોલીફાઇ થઇ હતી. ઓટો પાવર નામની એજન્સીએ પ્રતિ નંગ 8 લાખ રૂપિયામાં 11 સીટર બેટરીવાળી કાર આપવાની ઓફર આપી છે. બે કાર રૂ.16 લાખમાં ખરીદવામાં આવશે. જે તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચોમાસા પૂર્વે લોકો માટે શરૂ કરી દેવામાં આવશે. આ ઉપરાંત પ્રદ્યુમન પાર્કમાંથી પણ 6 સીટર કાર અહિં રાખવામાં આવશે.
આ ઉપરાંત આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વોર્ડ નં.18માં કોઠારિયા મેઇન રોડ પર મિની ટીપરવાન માટે પાર્કિંગ બનાવવા, વોર્ડ નં.3માં માધાપર વિસ્તારમાં ડ્રેનેજ લાઇન નાંખવા, વોર્ડ નં.7માં રામનાથ પરા વિસ્તારમાં થડાની ફાળવણી કરવા, અલગ-અલગ આઠ સર્કલો પાંચ વર્ષ માટે જનભાગીદારીથી ડેવલપ કરવા માટે આપવા, રેસકોર્ષ સ્થિત વોલીકોટ માટે મેમ્બરશિપ દર અને ભાડું તથા વપરાશના નિયમો નક્કી કરવા, કોઠારિયા રોડથી લાપાસરી જવા માટે ખોખળદળ નદી પર હાઇલેવલ બ્રિજ બનાવવા, ગુજરાત ટેલીફોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોલીસી અંતર્ગત અન્ડર ગ્રાઉન્ડ ટેલીફોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સ્ટોલેશન માટે પરવાનગી આપવા, અલગ-અલગ બ્રિજના ઇન્સ્પેક્શન માટે ક્ધસલ્ટન્ટની નિમણૂંક કરવા સહિત અલગ-અલગ 45 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.