લાંબી બીમારી બાદ 87 વર્ષની ઉંમરે લંડનમાં લીધા અંતિમ શ્વાસ
હિન્દુજા ગ્રુપના ચેરમેન અને અશોક લેલેન્ડના ગ્રુપના માલિક એસ.પી. હિંદુજાનું આજે અવસાન થયું છે. તેઓએ 87 વર્ષની ઉંમરે લંડન ખાતે આખરી શ્વાસ ખેંચ્યા હોવાનું સામે આવી રહ્યું છે. મહત્વનું છે કે હિન્દુજા ગ્રુપ ઓટોમોટિવ, ઓઈલ અને સ્પેશિયાલિટી કેમિકલ્સ, બેન્કિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ડેવલપમેન્ટ, પાવર સહિત અગિયાર બિઝનેસ ક્ષેત્રે મોટી નામના ધરાવે છે. ચાર ભાઈઓમાં સૌથી મોટા ભાઈ શ્રીચંદ પરમાનંદ હિન્દુજાનું આજે લંડનમાં અવસાન થયું હોવાનું નજીકના મિત્રો અને પરિવારજનોએ માહિતી આપી હતી.
હિન્દુજા પરિવારના પ્રવક્તાના જણાવ્યા અનુસાર મોટા ભાઈના નિધન પર ગોપીચંદ, પ્રકાશ અને અશોક હિન્દુજા સાથે સમગ્ર હિન્દુજા પરિવાર શોકના સાગરમાં ડૂબ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એસ. પી. હિન્દુજા લાંબા સમયથી ડિમેન્શિયાની બીમારીથી પીડિતા હતા.
મૂળ સિંધ પ્રાંતનો આ પરિવાર 1914માં મુંબઈ આવી ગયો હતો. બાળમાં 1919માં હિન્દુજા પરિવારે બિઝનેસ ક્ષેત્રમાં ડગ માંડયા હતા. બાદમા બિઝનેશે મોટું રૂપ ધારણ કર્યું હતું. મહત્વનું છે કે એસ. પી. હિન્દુજાએ 50ના દાયકામાં અભ્યાસ બાદ 1952માં પોતાના પિતાના હિન્દુજા ગ્રુપમાં ઝંપલાવી કામ કરવાનો પ્રારંભ કર્યો હતો. બાદમાં 1979 સુધી કંપનીનું મુખ્ય મથક ઈરાનમાં હતું. ત્યારબાદ સમય જતા હિન્દુજા પરિવાર લંડન શિફ્ટ થઈ ગયો હતો. અંદાજ મુજબ હાલ આ પરિવાર લંડનના સૌથી અમીર લોકોની યાદીમાં ટોચનું સ્થાન ધરાવે છે.