ઝાલાવાડમાં બિહાર જેવી સ્થિતિ
ફિલ્મી ઢબે બંને જુથે સામસામે ભડાકા કર્યા: બારથી વધુ શખ્સો સામે હત્યાની કોશિષનો નોંધાતો ગુનો
રાણપુર શહેરમાં આવેલી ભાદર નદીમાં બે જૂથ ઉપર ખૂનનું જૂનુન સવાર થઈ જતાં એક-બીજા ઉપર પિસ્ટલ-રિવોલ્વરથી ધડાધડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઘાતક હથિયારોથી હુમલો થતાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો.
રાણપુર પંથકમાં ચકચારી મચાવનારી ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર રાણપુરના ક્રષ્નનગરમાં રહેતા ચેતનભાઈ દેવાભાઈ જોગરાણા (ઉ.વ.24)એ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ચેતનના પિતા વાઘજીએ દોઢેક માસ પહેલા તેમની સામે એટ્રોસિટી એક્ટની ફરિયાદ નોંધાવી હતી તેમજ ભાદર નદીમાં લોડર ચલાવવા બાબતની અદાવત રાખી ગઈકાલે રવિવારે સાંજના 7 કલાકના સુમારે દીપક ઉર્ફે ડી.ડી. દિનેશભાઈ મકવાણા, ચેતન વાઘજીભાઈ મકવાણા, કિશન વાઘજીભાઈ મકવાણા, વાઘજી કાનજીભાઈ મકવાણા અને દિનેશ કાનજીભાઈ મકવાણા સહિતના શખ્સોએ ગઈકાલે ભાદર નદીમાં ક્રેટા અને સ્કોર્પિયો કારમાં તલવાર, પિસ્ટલ, પાઈપ લઈ આવી દીપક ઉર્ફે ડી.ડી.એ પિસ્ટલમાંથી ધડાધડ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
જ્યારે તમામ શખ્સોએ તેમના પર જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. બનાવ અંગે પોલીસે પાંચેય શખ્સ સામે આઈપીસી 307, 323, 504, 506 (ર), 114, 143, 147, 148, 149 અને આર્મ્સ એક્ટની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.સામા પક્ષે વાઘજીભાઈ કાનજીભાઈ મકવાણા (ઉ.વ.62, રહે, ક્રષ્નનગર, રાણપુર)એ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, દોઢેક માસ પહેલા તેમણે ત્રણ શખ્સ સામે દાખલ કરાવેલી એટ્રોસિટી એક્ટની ફરિયાદ અને તેમના નાનાભાઈના દિકરા પ્રદિપભાઈ દિનેશભાઈ મકવાણાની ભાદર નદીમાં આવેલી લીઝવાળા જગ્યામાંથી ચેતન જોગરાણા રેતી ભરતો હોય, જેને રેતી ભરવાની ના પાડતા ચેતન દેવાભાઈ જોગરાણા, ભીમા વીભાભાઈ જોગરાણા, કરણ દેવાભાઈ જોગરાણા, દેવા વીભાભાઈ જોગરાણા, બાવા કાનાભાઈ જોગરાણા, શૈલેષ કાનજીભાઈ જોગરાણા અને હરેશ ભીમાભાઈ જોગરાણા સહિતના સાત શખ્સે સ્વીફ્ટ કાર લઈ આવી ગાળો દઈ મારી નાંખવાની ધમકી આપી જ્ઞાાતિ વિશે હડધૂત કરતા શબ્દો કહીં મારામારી કરી મારી નાંખવાના ઈરાદે રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું હતું. ઘટના સંદર્ભે પોલીસે છ સાત શખ્સ સામે આઈપીસી 307, 323, 504, 506 (ર), 114, 147, 148, 149 તેમજ આર્મ્સ અને એટ્રોસિટી એક્ટની જુદી-જુદી કલમ હેઠળ ગુનો દાખલ કરી બન્ને પક્ષની ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે. રેતીની લીઝ અને પોલીસ ફરિયાદને લઈ ગોળીબાર સાથે સર્જાયેલા ધીંગાણાને લઈ રાણપુરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. સ્થિતિ વધુ વણસે નહીં તે માટે પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો.