શરદી-ઉધરસના 204, ઝાડા-ઉલ્ટીના 88 અને સામાન્ય તાવના 32 કેસ નોંધાયા: મચ્છરની ઉત્પતિ સબબ 234 આસામીઓને નોટિસ

સામાન્ય રીતે ડેન્ગ્યૂ અને મેલેરિયા તાવના કેસ ચોમાસાની સિઝન કે શિયાળામાં નોંધાતા હોય છે. પરંતુ આ વર્ષે કાળઝાળ ઉનાળામાં પણ ડેન્ગ્યૂ અને મેલેરિયાએ દેખા દેતા કોર્પોરેશનની આરોગ્ય શાખામાં દોડધામ મચી જવા પામી છે.

કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા આજે રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગત સપ્તાહે શહેરમાં મેલેરિયાનો એક અને ડેન્ગ્યૂ તાવનો એક કેસ નોંધાયો છે. જાન્યુઆરીથી લઇ અત્યાર સુધીના સમયગાળામાં મેલેરિયાના 6 અને ડેન્ગ્યૂના 18 કેસ મળ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં શહેરની અલગ-અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં શરદી-ઉધરસના 204 કેસ, ઝાડા-ઉલ્ટીના 88 કેસ અને સામાન્ય તાવના 32 કેસ નોંધાયા છે. રોગચાળાની અટકાયત માટે અલગ-અલગ 10,761 ઘરોમાં પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે 180 ઘરોમાં ફોગીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધુ હોય ત્યાં માઉન્ટેન મશીન દ્વારા ફોગીંગ કરવામાં આવી રહ્યા છે. મચ્છરના ઉપદ્રવને અટકાવવા માટે અલગ-અલગ વિસ્તારોમાં બાંધકામ સાઇટ સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્સ, ભંગારના ડેલા, સેલર, વાડી, હોલ, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ અને સરકારી કચેરી સહિત કુલ 248 કોમર્શિયલ સ્થળોએ ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત 19 આસામીઓને નોટિસ આપવામાં આવી છે.

જ્યારે રહેણાંક વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ સબબ 215 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે. આરોગ્ય શાખા દ્વારા રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ છુપાવવામાં આવતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કારણ કે 20 લાખની વસતી ધરાવતા રાજકોટ શહેરમાં એક સપ્તાહમાં તાવના માત્ર 32 કેસ જ જાહેર કરાયા છે. જે પ્રથમ દ્રષ્ટિએ જ વાત માનવામાં ન આવે તેવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.