પ્રાથમિક શાળાઓમાં શિક્ષક માટેની ટેટ-1નું માત્ર 3.78 ટકા પરિણામ આવ્યું: 73271 ઉમેદવારમાંથી માત્ર 2769 વિદ્યાર્થી પાસ
રાજ્યમાં ધો.1 થી 5ની સ્કુલોમાં શિક્ષક બનવા માટે લેવાયેલી અભિયોગ્યતા કસોટીનું પરિણામ જાહેર કરાયું છે. જેમાં અત્યાર સુધીમાં લેવાયેલી ચાર જેટલી પરીક્ષાઓ પૈકી ચાલુ વર્ષે સૌથી ઓછું પરીણામ 3.78 ટકા આવ્યું છે એટલે કે ભણાવનારાઓ જ 96 ટકા જેટલા નાપાસ થયા છે. આમાં ક્યાંથી ભણે ગુજરાત !!!
રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષક બનવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 16મી એપ્રિલના રોજ ટેટ-1ની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં સમગ્ર રાજ્યમાંથી 73271 વિદ્યાર્થીઓ ઉ5સ્થિત રહ્યા હતા. મહત્વની વાત તો એ છે કે આ પરીક્ષાના જાહેર કરાયેલા પરિણામમાં માત્ર 2767 ઉમેદવારો જ પાસ થયા છે. એટલે કે, પરીક્ષા આપનાર પૈકી 70,502 ઉમેદવારો નાપાસ થયા છે. વિસ્તૃત પરિણામ જોઇએ તો પાસ થનાર કુલ ઉમેદવારો પૈકી 2697 ઉમેદવારો ગુજરાતી માધ્યમના હતા. અંગ્રેજી માધ્યમના 37 અને હિન્દી માધ્યમના 35 ઉમેદવારો પાસ જાહેર થયા છે. અગાઉ લેવાયેલી પરીક્ષાઓમાં વર્ષ-2014માં 9.95 ટકા ઉમેદવારો પાસ થયા હતા. આ જ રીતે વર્ષ 2018માં 8.36 ટકા ઉમેદવારો પાસ જાહેર કરાયા હતા.
ધો.1 થી 5માં શિક્ષક બનવા માટે પહેલી વખત ટેટ વર્ષ-2014માં લેવામાં આવી હતી. દર વર્ષે આ પરીક્ષા લેવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા જરૂરિયાતના આધારે પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષા માટે કુલ 86,025 ઉમેદવારોએ અરજી કરી હતી. જેમાંથી 73271 ઉમેદવારો પરીક્ષામાં ઉ5સ્થિત રહ્યા હતા. પરીક્ષામાં ઉ5સ્થિત રહેલા પૈકી 2769 ઉમેદવારો પાસ થતા પરિણામ 3.78 ટકા આવ્યું છે. આ પરીક્ષામાં કુલ 150 માર્ક્સની હતી. આમ છેલ્લા ચાર વખત લેવાયેલી પરીક્ષાઓમાં સૌથી ઓછું પરિણામ આ વર્ષે જાહેર કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં ટેટ-2ની પરીક્ષાનું પરીણામ પણ જાહેર કરવામાં આવશે.