પ્રદ્યુમનસિંહજી સ્કૂલમાં ચાલી રહેલી પ્રવચન શ્રેણીમાં ઉમટી રહેલા ભાવિકો : મનને શાંત કરવા વિષય પ્રવૃત્તિનો ત્યાગ કરવો જ જોઈએ
વર્ધમાનનગર શ્રી સંઘમાં બિરાજી રહેલા પ્રવચન પ્રભાવક પૂ.આચાર્યદેવ શ્રીમદ વિજય કીર્તિયશસુરીશ્વરજી મહારાજે પોતાની પ્રવચન શ્રેણીના આજના પાંચમાં દિવસે વિષય પ્રવૃતિનો ત્યાગ કરવો એ વિશે સમજાવ્યું હતું. પ્રહલાદ પ્લોટ મેઈન રોડ ઉપર અજરામાર ઉપાશ્રયની સામે આવેલી પ્રદ્યુમનસિંહજી સ્કૂલમાં ચાલી રહેલી આ પ્રવચન શ્રેણી અંતર્ગત આચાર્યશ્રી પોતાની વાણીનો લાભ આપી રહ્યા છે. વિશ્વ હિતચિંતક આચાર્યદેવ શ્રી કીર્તિયશસૂરિશ્વરજી મહારાજની વાણીનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે. સદાકાળ માટે: શ્રેષ્ઠ સુખને પામવું હોય તો આત્મસ્વરૂપની પ્રાપ્તિ અનિવાર્ય છે.
આત્મસ્વરૂપની પ્રાપ્તિ આત્મધ્યાન વિના શકય નથી અને આત્મધ્યાન આત્માના જ્ઞાન વિના શકય નથી… રાજકોટની પ્રજા પણ આત્મજ્ઞાન પામી આત્મધ્યાન વડે આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરે અને આત્મિક સુખને માણે તે માટે વિશ્વ હિતચિંતક, પ્રવચન પ્રભાવક આચાર્ય દેવશ્રીમદ વિજય કીર્તિયશસૂરિશ્વરજી મહારાજા, આત્મસ્વરૂપની પ્રાપ્તિના 25 ઉપાય પૈકી 5 ઉપાયો સમજાવ્યા બાદ આજે છઠ્ઠા ઉપાય તરીકે ’વિષય પ્રવૃત્તિનો ત્યાગ કરવો’ એ બાબતે સમજ આપી હતી.
આજે ભાવિકો સમક્ષ આચાર્યશ્રીએ કહ્યું હતું કે, વિષય પ્રવૃત્તિનો ત્યાગ કરવો એટલે કે કામ-ભોગમાં આસકિત ન રાખવી. કામભોગની ઈચ્છાનું મુળ વિષયોના વારંવાર વિચાર છે. એ વિચારોને દબાવવાથી, તે વિચારોથી દૂર થવાથી કામભોગની ઈચ્છાઓ પણ નાશ થાય છે. જયાં સુધી વિષયોની પ્રવૃત્તિ છોડવા જેવી ન લાગે ત્યાં સુધી આત્મધ્યાન પ્રગટી ન શકે.
શ્રોતાઓને પ્રશ્ન થયો હતો કે વિષય કહેવાય કોને ? આ પ્રશ્નનું સમાધાન કરતા આચાર્યશ્રીએ કહ્યું હતુ કે ’કાનને ગમે તે સાંભળવું, આંખને ગમે તે જોવું, નાકને ગમે તે સૂંઘવું, જીભને ગમે તે ચાખવું અને ચામડીને ગમે તેવો સ્પર્શ કરવો એ બધું વિષયોમાં આવે, વિષય પ્રવૃત્તિ મનને અસ્થિર-ચંચળ બનાવે છે અને અસ્થિર-ચંચળ મન હોય ત્યાં સુધી ધ્યાન ન થઈ શકે તો આત્માનો તો વિચાર આવે જ કયાંથી ?
આત્મજ્ઞાનીઓએ વિષયોને વિષ (ઝેર) જેવા અને અપેક્ષાએ તો વિષ કરતાંય ભયંકર કહ્યા છે. વિષ તો જયારે ચાખો ત્યારે મારે, જયારે વિષયો વિચાર કરતાની સાથે જ મારે. એ સાંભળતા, દેખતા, સૂંઘતા, ચાખતા અને સ્પર્શ કરતાં તો મારે જ પણ મનથી વિચાર કરતાંય મારે. વિષ (ઝેર) એકવાર મારે છે, વિષય અનેકવાર મારે છે. એટલે જો એનાથી બચી શકાય તો જ આત્મધ્યાન પામી શકાય. દરેક સાધકનું ધ્યેય વિષયોને છોડવાનું જ હોય. સંપૂર્ણ ન છોડી શકે ત્યાં સુધી મર્યાદિત કરે. ભલે એમ પણ બને કે જીવનના અંત સુધી છોડી ન શકે, એમાં સફળ ન બને પણ પ્રયત્ન તો તેનો જ હોય ને…
આચાર્ય એ કહ્યું હતું કે, ન સાધુઓ પાસે સંસારીઓ પાસે હોય એવી દૂન્યવી સુખની કોઈપણ સામગ્રી હોતી નથી. જૈન સાધુને ગામમાં ઘર, બજારમાં પેઢી, દુકાન, જંગલમાં જમીન, બેન્કમાં ખાતુ, ઠંડીથી બચવા અગ્નિ તાપણું, ગરમીથી બચવા કુલર કે એ.સી., મજેથી રહેવા મહેલાતો, સુખભરી મખમલની પથારી, આમ કશું પણ હોતું નથી. દુનિયાના પાંચેય ઈન્દ્રિયોના સુખ પ્રાપ્ત કરી શકાય, એવી કોઈ પણ સામગ્રી નથી છતાં એ કયારેય દુ:ખી નથી હોતા, પણ સુખી હોય છે. એનું કારણ શું ? આત્માની અનુભૂતિથી આત્મા સાથે નિર્મળ મનનું જોડાણ થવાથી… એ મન નિર્મળ અને શાંત શી રીતે થયું ? વિષયો સાથેનું જોડાણ કાપી લીધું તેથી… માટે જેણે પણ આત્મિક સુખ માણવું હોય તેને આત્મા સાથે મનનું જોડાણ કરવું જોઈએ. આત્મા સાથે મનનું જોડાણ કરવા મનને શાંત કરવું જોઈએ. મનને શાંત કરવા વિષય પ્રવૃત્તિનો ત્યાગ કરવો જ જોઈએ.
તેમણે કહ્યું હતું કે, ષયોને ક્યાંક ફળ જેવા કહ્યા છે. સ્વાદમાં મધૂર, સુગંધમાં નાકને તર-બતર કરે તેવું, જોવામાં રમણિય, સ્પર્શમાં પોચું અને મુલાયમ… પણ જે તેને ચાખે, તે ટૂંક સમયમાં મૃત્યુને પામે. વિષયો પણ તેવા જ છે… શરૂઆતમાં રમણિય, સુવાળા ક્ષણિક સુખ આપનારા, પણ પરિણામ લાંબા કાળનું દુ:ખ આપનારા હોય છે. આમ, વિષયોના દારૂણ વિપાકને સમજી, સંપૂર્ણ રીતે વિષયનો ત્યાગ કરી, તે શકય ન હોય તો શકય તેટલા મર્યાદિત કરી આત્મધ્યાનને પામી આત્મસ્વરૂપને પામીએ અને આત્મિક સુખને માણીએ એ જ શુભાભિલાષા.