પતિ ચાર સંતાનોને લઈને ફરાર થઈ જતાં મામલો ગુચવાયો: હત્યાની શંકાએ મૃતદેહ ફોરેન્સિક પીએમ અર્થે ખસેડાયો
શહેરમાં બાપા સીતારામ ગૌશાળા પાસે આવેલી રંભામાની વાડી પાસે મફતીયા પરામાં રહેતા મહિલા તેમના સંતાનો માટે નાળિયેર કાપી રહ્યા હતા ત્યારે છરી વડે અચાનક પેટ ચિરાઈ જતા લોહી વહેવા લાગતા તેઓને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યાં ગઇકાલે તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ બાદ મૃતકના પતિ તેમના ચાર સંતાનોને લઈ નાશી છૂટતા યુનિવર્સિટી પોલીસે હત્યાની શંકાએ મહિલાના મૃતદેહને ફોરેન્સિક પી.એમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બાપાસીતારામ ગૌશાળા પાસે રંભામાની વાડી મફતિયાપરામાં રહેતા શારદાબેન ગોપાલભાઈ સોલંકી નામના ૪૦ વર્ષના મહિલા ગઈ બે દિવસ પહેલા બપોરના સમયે તેમના સંતાનો માટે લીલા નાળિયેર કાપતા હતા. ત્યારે છરી અચાનક છટકીને પેટના ભાગે વાગી ઊંડો ઘા પડતા તેઓને લોહી નીકળવા લાગ્યું હતું અને તુરંત તેઓના પતિએ શારદાબેનને સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. ત્યાં શુક્રવાર સાંજે તેઓનું સારવારમાં મોત નીપજ્યું હતું. મૃત્યુ પહેલા મહિલાએ નિવેદન પણ નોંધાવ્યું હતું.જો કે પરિણીતાના પિયરજનોએ હત્યાના આક્ષેપો કર્યા છે.
આ બનાવ સમયે ગોપાલને તેના સાસુ જયાબેન,સસરા ધીરુભાઈ, સાળા અજયે બોલાચાલી કરી માર પણ માર્યો હતો. જેના પગલે ગોપાલ તેના ચાર સંતાનોને લઈ નાશી છૂટતા મૃતકના માતાએ તેના પર ગંભીર આક્ષેપો કર્યા છે. આ મામલે યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઈ બી.આર.ભરવાડ અને હેડકોન્સ્ટેબલ ભગીરથસિંહ ખેર સહિતના સ્ટાફે તપાસ હાથધરી હતી. પોલીસે જણાવ્યું હતું કે દંપતી લીલા નાળિયેર કાપવાનું કામ કરતા હતા.તેમને સંતાનમાં બે પુત્ર બે પુત્રી છે.પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને લઇ મહિલાના મોતનું સચોટ કારણ જાણવા માટે મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડાયો છે.