રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા 1548 આવાસોનું ઇ-લોકાર્પણ અને 1010 આવાસોનું ઇ-ખાતમુહુર્ત કરતા નરેન્દ્ર મોદી
આવાસ ક્ષેત્રે ગુજરાતમાં નોંધપાત્ર કામગીરી થઇ છે, ચાર વર્ષમાં 13 એવોર્ડ પ્રાપ્ત થયા છે: મુખ્યમંત્રી
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં આજે ગુજરાત સરકાર દ્વારા અમૃત આવાસોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત રાજકોટમાં મહાપાલિકા દ્વારા બનાવવામાં આવેલા 1548 આવાસોનું ઇ-લોકાર્પણ અને 1010 આવાસનું ઇ-ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. પીએમએ લોકોને એવી પણ ખાતરી આપી હતી કે આગામી ભવિષ્યમાં દેશવાસીઓને વધુ સુરક્ષિત અને સસ્તા આવાસો મળી રહે તેવા પ્રયાસો સરકાર દ્વારા સતત કરવામાં આવી રહ્યા છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “પ્રધાનમંત્રી આવાસ યોજના” અંતર્ગત રૂ.119.86 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ઇડબલ્યુએસ-1 અને ઇડબલ્યુએસ-2 કેટેગરીના 1548 આવાસોનું ઈ-લોકાર્પણ તથા રૂ.119.05 કરોડના ખર્ચે ઇડબલ્યૂએસ-2 કેટેગરીના 1010 આવાસોનું ઈ-ખાતમુહુર્ત તેમજ રાજકોટ શહેરી વિકાસ સતામંડળ (રૂડા) દ્વારા બીએલસી યોજના હેઠળ રૂ.40.95 કરોડની સહાય સાથે બનેલા 1170 આવાસોમાં ગૃહપ્રવેશ વિધિ કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો હતો. “અમૃત આવાસોત્સવ” નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે રાજકોટના લાભાર્થી અવનીબેન કાચા સહિત ગુજરાતના શહેરી અને ગ્રામીણ વિસ્તારના આવાસોના લાભાર્થીઓને ઘરની ચાવી સુપ્રત કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ દ્વારા સુરત, ભાવનગર અને આણંદના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.
આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે “ઘરનું ઘર” મેળવનાર હજારો લાભાર્થીઓને અભિનંદનની સાથોસાથ ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવતા એમ જણાવેલ કે, કેન્દ્ર સરકારે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો જે દ્રઢ સંકલ્પ લીધેલો છે તેને સાકાર કરવાની દિશામાં સરકાર મક્કમપણે આગળ વધી રહી છે. જેમાં દેશવાસીઓના જીવનમાં સુવિધાપૂર્ણ સરળતા આવે અને જીવન ગુણવતાપ્રદ બને તેના પર ભાર મુકવામાં આવેલો છે. ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે ઘરનું ઘર એક સ્વપ્ન હોય છે. આ સ્વપ્ન સાકાર કરવા માટે સરકાર અવિરત આવાસ યોજનાઓ હાથ ધરી રહી છે.
ગુજરાતમાં થોડા સમય પહેલા જ ફરી વખત ભાજપની સરકાર બની છે અને વિકાસ પ્રક્રિયા જે ઝડપે આગળ ધપી રહી છે તે જોઇને આનંદ થાય છે. ભાજપ સરકારે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ઘર આપવાની સાથોસાથ તેમના સ્વાસ્થ્યની પણ ખુબ ચિંતા કરી લાખો લોકોને આયુષ્માન ભારત કાર્ડ ઇસ્યુ કરેલા છે. તેમજ ચાર નવી મેડીકલ કોલેજ પણ બનાવી છે. છેલ્લા વર્ષોમાં જે વિકાસલક્ષી બદલાવ થયો છે તેની દેશવાસીઓને ચોક્કસપણે અનુભૂતિ થઈ રહી છે. નિરાશા બાદ હવે લોકોના સ્વપ્નો સાકાર થઈ રહ્યા છે. ભાજપની ડબલ એન્જિન સરકાર ધર્મ કે જાતિના ભેદભાવ વગર તમામ દેશવાસીઓના જીવનમાં પ્રગતિ આવે તે માટે દિવસ રાત જોયા વગર કામ કરી રહી છે.
છેલ્લા નવ વર્ષમાં ચાર કરોડ જેટલા જરૂરિયાતમંદ ગરીબ લોકોને મળેલ આવાસોમાં 70% ઘર માતાઓ અને બહેનોના નામે નોંધાયેલ છે. અગાઉ માત્ર પુરૂષોના નામે જ મિલકતો નોંધાતી હતી. જેમાં હવે આમૂલ પરિવર્તન આવ્યું છે અને બહેનો મિલ્કતોની માલિક બની છે. એમ પણ કહી શકાય કે બહેનો, માતાઓ લખપતિ બન્યા છે. ભવિષ્યમાં હજુ વધુ સસ્તા અને સુરક્ષિત આવાસો આપવાના પ્રયાસ સરકાર કરી રહી છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ જણાવ્યું હતું કે આજે હજારો પરિવારના ઘરે લાપસીનાં આંધણ મુકવાનો શુભ અવસર છે. હજારો જરૂરિયાતમંદ ગરીબ અને વંચિત પરિવારોનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. અગાઉ ખુબ ઉંચા વ્યાજ દરની લોન પણ માંડ મળતી. જેની સરખામણીમાં અત્યારે સરળતાથી નજીવા દરે લોન મળે તે બાબતે ખુદ પ્રધાનમંત્રીએ ચિંતા કરે છે. ગુજરાતમાં આવાસ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરેલી છે. જેમાં વર્ષ 2019 થી વર્ષ 2022 સુધીમાં 13 એવોર્ડ પણ મેળવ્યા છે. ગુજરાતમાં ‘ડબલ એન્જીન’ સરકારે અમૃતકાળમાં અનેકવિધ વિકાસ કાર્યો હાથ ધરી નમુનારૂપ કામગીરી કરી છે. ગુજરાત સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે બજેટમાં વિશેષ જોગવાઈ કરેલ છે. જે આવનારા વર્ષોમાં ક્રમશ: વધતી રહેશે. આ અમૃતકાળ ખરા અર્થમાં અમૃતરૂપી પુરવાર થાય તેવા સંનિષ્ટપ્રયાસો સરકાર દ્વારા થાય છે.
આ પ્રસંગે ધારાસભ્ય ઉદયભાઈ કાનગડએ જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકાના શાસકો હોય, ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય તમામ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને યોજનાઓ બનાવવામાં આવે છે. આજે નવા 1500 થી વધુ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને 1010 આવાસોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ તથા સમગ્ર તંત્રને બિરદાવું છું.
આ પ્રસંગે મેયર ડો.પ્રદિપ ડવે જણાવેલ કે, દરેક વ્યક્તિનું એક સ્વપ્ન હોય છે કે, પોતાનું એક અલાયદું ઘર હોય કે જેમાં તે સુખ શાંતિથી રહી શકે. પરંતુ, આજના મોંઘવારીના સમયમાં કોઈપણ શહેરમાં ઘરનું ઘર બનાવું એ એક કપરી કામગીરી છે. પોતાની સામાજીક જવાબદારી, સંતાનોના શિક્ષણની જવાબદારી, વયસ્ક સંતાનોના લગ્નની જવાબદારીના કારણે પોતાનું ઘરનું ઘર બનાવી શકતા નથી તેથી ભારતીય જનતા પક્ષની સરકાર દ્વારા EWS-I, EWS-II, LIG,અને MIG વગેરે આવાસ યોજના શરૂ કરી લોકોને જમીનની કિંમત કરતા પણ નજીવા દરે 1 BHK, 2 BHK L¡$ 3 BHK ના અદ્યતન સુવિધાસભર આવાસો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. આ આવાસો કોઈ સ્લમ કે પછાત વિસ્તારમાં નહી પરંતુ, ખુબ સારા અને પોશ વિસ્તારમાં આવાસો બનાવવામાં આવી રહ્યા છે.
આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું હદયપૂર્વક શાબ્દિક સ્વાગત કરેલ તેમજ તેમણે કાર્યક્રમની રૂપરેખા અને મહાનગરપાલિકા તથા રૂડાનાં આવાસ અંગેની માહિતી આપી હતી. હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરા દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુસ્તક અર્પણ કરી, સ્વાગત કરેલ. ડાયસ કાર્યક્રમ બાદ ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે આવાસના લાભાર્થીઓને ચાવી અને કળશ અર્પણ કરવામાં આવેલ હતા. બાંધકામ કમિટી ચેરમેન કેતનભાઈ પટેલ દ્વારા આભારવિધિ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં આવાસ યોજનાઓ તેમજ શહેરી વિકાસ અંગે ડોકયુમેન્ટરી પ્રદર્શિત કરવામાં આવેલ. સાથોસાથ ગરબા સહિતની સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરવામાં આવી હતી. આ ઉપરાંત પર્યાવરણ જતન અંગે તમામ મહાનુભાવો અને ઉપસ્થિત ભાઈઓ તથા બહેનો દ્વારા શપથ લેવામાં આવ્યા હતા. ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના કૃષિ, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના મંત્રી અને રાજકોટ જીલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલએ સ્વાગત પ્રવચન કર્યું હતું.