જિલ્લા કલેકટર પ્રભવ જોશીનો માનવતાવાદી નિર્ણય
બાળકોને સ્કૂલ- તાલિમ કેન્દ્રમાં પ્રવેશ અપાવાશે : પરિવારમાં તમામનું આધાર કાર્ડ, રાશન કાર્ડ કઢાવી સરકારી યોજનાઓના લાભ અપાશે, વાલીને નોકરી અપાવવાના પણ પ્રયાસો કરાશે
શહેર બાદ હવે તાલુકા કક્ષાએ પણ રખડતા ભટકતા બાળકોનો સર્વે કરી તેના અંધકારમય જીવનમાં પ્રગતિનો ઓજસ પથરાવાશે
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ માનવતાવાદી નિર્ણય લઈને શહેરમાં રખડતા ભટકતા 69 બાળકોની લાઈફ સેટ કરી દેવા જરૂરી પગલાં લેવાનો આદેશ જારી કર્યો છે. જેમાં આ બાળકોનું જીવન ઉજળું બને તેવા તમામ પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવશે.
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા જણાવાયું છે કે અગાઉ દોઢેક વર્ષ પૂર્વે રાજકોટ શહેરમાં એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 69 બાળકો રખડતા ભટકતા હોય તેવું જાણવા મળ્યું હતું. આ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે વહીવટી તંત્ર કઈ કરી શકે તો તેનાથી વિશેષ શુ હોય શકે, આવા ઉદ્દેશ સાથે સંબંધિત અધિકારીઓ સાથે એક બેઠક પણ યોજવામાં આવી હતી.
આ બાળકો માટે એક ગાર્ડીયન ઓફિસરની પણ નિમણૂક કરવામાં આવી છે. જેઓ આ બાળકોના આધાર કાર્ડ સહિતના જરૂરી પુરાવાઓ કઢાવી આપશે. આ ઉપરાંત બાળકોને શાળા તથા તાલીમ કેન્દ્રોમાં પ્રવેશ પણ અપાવવામાં આવશે. વધુમાં તેના પરિવારના તમામ સભ્યોનાં આધાર કાર્ડ, રાશન કાર્ડ સહિતના પુરાવાઓ કઢાવી આપી તેઓને જરૂરી તમામ સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં તેના વાલીઓને નોકરી મળે તેવા પ્રયાસો પણ કરવામાં આવશે.
આમ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ માનવતાવાદી નિર્ણય લઈને રખડતા ભટકતા 69 બાળકોનું જીવન સુધારવા કમર કસી છે. વધુમાં મળતી માહિતી પ્રમાણે આ 69 બાળકો માટે હાલ પાયલોટ પ્રોજેક્ટ રૂપે કામગીરી કરવામાં આવશે. હજુ આવી જ રીતે દરેક તાલુકા કક્ષાએ સર્વે કરાવી આવા બાળકોની ઓળખ કરવામાં આવશે. ત્યારબાદ તેઓના જીવનમાં પણ ઓજાસ પાથરવા કામગીરી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ રખડતા ભટકતા બાળકોમાં પરપ્રાંતીય પરિવારો કે જે રોજગારી અર્થે અહીં આવે છે તેઓના બાળકો તેમજ ઘણા સ્થાનિક આર્થિક રીતે પછાત પરિવારના બાળકો ઉપરાંત ઝૂંપડપટ્ટીમાં વસતા પરિવારોના બાળકોનો સમાવેશ થાય છે. આ બાળકો અભ્યાસ કે અન્ય કોઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલ ન હોય, આખો દિવસ અહીંથી ત્યાં ને ત્યાંથી બીજે માત્ર રખડતા ભટકતા હોય તેવા બાળકો છે. જેનું જીવન ધોરણ સુધારવા જિલ્લા કલેકટરે કમર કસી છે.