કાકા-કાકીની નજર સામે ભત્રીજાને કાળ ભેટતા પરિવારમાં કલ્પાંત: ડ્રાઈવર બસ રેઢી મૂકી ફરાર
રાજકોટમાં ફરી એકવાર ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં કેકેવી ઓવરબ્રિજ પર ખાનગી બસના ચાલકે બાઈકને અડફેટે લેતાં માસુમ બાળકનું મોત નિપજ્યું હતું. કાકા-કાકીની નજર સામે જ ભત્રીજાને કાળ આંબી જતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા રોડ પર સુખરામનગરમાં રહેતા અજયસિંહ રણજીતસિંહ ચુડાસમા પોતાની પત્ની અને ભત્રીજા ઉદયરાજસિંહ વિરલસિંહ ચુડાસમા સાથે બાઈક પરથી કેકેવી ચોક ઓવરબ્રિજ પરથી પસાર થતા હતા ત્યારે એક ધનવીર નામની ખાનગી બસના ચાલકે બાઈકને ઠોકર મારતાં માસુમ બાળક ફંગોળાયા બાદ રોડ પર પટકાયો હતો. જેથી તેના પર બસના તોતિંગ વ્હીલ ફરી વળતાં તેનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
મૃતકનાં કાકા અજયસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, તેઓ પત્ની અને 12 વર્ષીય ભત્રીજા ઉદયરાજસિંહ સાથે બાઇકમાં નાણાવટી ચોકથી હુડકો ચોકડી જઈ રહ્યા હતા. ત્યારે કેકેવી ઓવરબ્રિજ પર પહોંચતા પાછળથી પુરપાટ ઝડપે આવતી ખાનગી ટ્રાવેલ્સની બસે ઠોકર મારતા ત્રણેય ફંગોળાયા હતા. આ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજા થતાં ભત્રીજા ઉદયરાજસિંહનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.
આ અંગે ઘટનાની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગયો હતો. જ્યાંથી બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક માસુમ બાળક ઉદયરાજસિંહ ધોરણ -7 માં અભ્યાસ કરતો હતો. પોલીસે બસના ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.