ફિલીંગ હોટ…હોટ…હોટ…
જૂનાગઢ 44.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર: વલ્લભ વિદ્યાનગર 44.1 ડિગ્રી, રાજકોટ 43.9 ડિગ્રી, અમરેલી 43.8 ડિગ્રી, સુરેન્દ્રનગર 43.5 ડિગ્રી અને ભૂજ 43.4 ડિગ્રી સાથે અગનભઠ્ઠીમાં ફેરવાયા: કાળઝાળ ગરમીથી જનજીવન ત્રાહિમામ
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં છેલ્લા ચાર દિવસથી સુર્ય નારાયણ આકાશમાંથી અગ્નીવર્ષા કરી રહ્યા છે. બુધવારે રાજ્યના 10 શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. હજી બે દિવસ આકાશ આગ ઓકતુ રહેશે. હીટવેવથી બચવા માટે ગાઇડલાઇન પણ જાહેર કરવામાં આવી છે. જૂનાગઢ 44.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. રાજ્યભરમાં ગરમીના હાહાકારથી જનજીવન ત્રાહિમામ પોકારી ગયુ છે. રાજમાર્ગો પર બપોરના સમયે સ્વયંભૂ સંચારબંધી જેવો માહોલ સર્જાય જાય છે. સવારથી ગરમીની અસર દેખાવા લાગે છે.
માવઠાની મોસમ પૂર્ણ થતાની સાથે જ ગત રવિવારથી સુર્યનારાયણે આકરી બેટીંગ કરવાનું શરૂ કર્યું છે. દિન-પ્રતિદિન સતત ગરમીનું જોર વધી રહ્યું છે. સૌરાષ્ટ્ર પણ કાળઝાળ ગરમીમાં સેકાય રહ્યું છે. હજી બે દિવસ આકાશમાંથી અગ્નીવર્ષા થતી રહેશે. આજે કચ્છ ઉપરાંત પોરબંદર અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો ઉંચો રહે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગઇકાલે બુધવારે સૌરાષ્ટ્રના જૂનાગઢનું મહત્તમ તાપમાન 44.2 ડિગ્રીએ પહોંચી જવા પામ્યુ હતું. જે રાજ્યમાં સૌથી વધુ હતું. ગીરનાર પર્વત પર પારો 47 ડિગ્રીએ આંબી ગયો હતો.
આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં વલ્લભ વિદ્યાનગરનું મહત્તમ તાપમાન 44.1 ડિગ્રી, રાજકોટનું તાપમાન 43.9 ડિગ્રી, અમરેલીનું તાપમાન 43.8 ડિગ્રી, કંડલા એરપોર્ટ પરનું તાપમાન 43.6 ડિગ્રી, અમદાવાદનું તાપમાન 43.5 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 43.5 ડિગ્રી, ડિસાનું તાપમાન 43.4 ડિગ્રી, વડોદરાનું તાપમાન 43.4 ડિગ્રી, કેશોદનું તાપમાન 42.8 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 42.9 ડિગ્રી, નલીયાનું તાપમાન 40.2 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 41 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 42.4 ડિગ્રી, મહુવાનું તાપમાન 38.6 ડિગ્રી, વલસાડનું તાપમાન 37 ડિગ્રી, સુરતનું તાપમાન 36.8 ડિગ્રી, દિવનું તાપમાન 35 ડિગ્રી, વેરાવળનું તાપમાન 34.6 ડિગ્રી, ઓખાનું તાપમાન 33.9 ડિગ્રી અને દ્વારકાનું તાપમાન 31.8 ડિગ્રી નોંધાયુ હતું. હજી બે દિવસ તાપમાન ઉંચુ રહેશે. આજે કચ્છ, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં હિટવેવનું જોર રહેશે. સવારથી ગરમીનો અહેસાસ થવા માંડે છે. રાજ્ય સરકાર દ્વારા હિટવેવની માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે.
ગરમીમાં જાહેર કરાતા 3 એલર્ટ
હવામાન વિભાગ આકરા તાપમાં એલર્ટ જાહેર કરે છે. ત્યારે ત્રણ કલરના આ એલર્ટમાં 41.1 થી 43 ડીગ્રી સુધી તાપમાન થાય તો યલો એલર્ટ જાહેર કરાય છે. જયારે 43.1 થી 44.9 ડીગ્રી સુધી ઓરેન્જ એલર્ટ કહેવાય છે. અને 45 ડીગ્રી ઉપર તાપમાન થાય તો રેડ એલર્ટ જાહેર થાય છે. રેડ એલર્ટમાં ચામડી દાઝી જાય તેવી ગરમી પડે છે.
હીટવેવથી બચવા બપોરના સમયે ઘરની બહાર નિકળવાનું ટાળો
રાજ્યભરમાં હાલમાં ચાલી રહેલા હીટ વેવથી બચવા માટે નાગરિકો માટે રાજ્ય સરકારે માર્ગદર્શિકા જારી કરી છે. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ ખુલતા કપડા પહેરવા, ટોપી, ચશ્માં, છત્રીનો ઉપયોગ કરવો જોઈએ. નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો, અશક્ત અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી લેવી જરૂરી છે. ભીના કપડાથી માથું ઢાંકી રાખવું, અવાર-નવાર ભીના કપડાથી શરીર લુછવું અને વારંવાર ઠંડુ પાણી પીવું. વરીયાળી, કાચી કેરી, ગુલાબ, ખસ અને કાળી દ્રાક્ષનું શરબત લેવું જોઇએ. રાત્રે 10 નંગ કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી સવારે આ પાણી પીવું અને દ્રાક્ષ ખાવી, તરબૂચનો ઉપયોગ સવાર અને બપોરે કરવો જોઈએ.
લીંબુ શરબત, મોળી છાશ, તાડફળી અને નારીયેળનું પાણી, ખાંડ-મીઠાના પીણાં પીવા જોઈએ. બજારમાં મળતો ખુલ્લો વાસી ખોરાક, બરફ વગેરેનો ઉપયોગ ટાળવો, લગ્ન પ્રસંગમાં દૂધ માવાની આઈટમ ખાવી નહીં. ચા-કોફી અને દારૂના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે, તેથી તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ. બપોરે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. માથું દુ:ખવું, પગની પીંડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધવું, ખૂબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થવું, ઉલટી, ઉબકા, ચક્કર, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, સુધ-બુધ ગુમાવી દેવી, અતિ ગંભીર કિસ્સાઓમાં ખેંચ આવવી વગેરે હીટ વેવનાં લક્ષણો છે.
લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર કે સરકારી દવાખાનાનો સંપર્ક સાધવો જોઈએ. ખેડૂતોએ કૃષિ માટે ઊભા પાકને વારંવાર પિયત આપવું અને નિંદામણ કરીને જમીનને ભેજવાળી રાખવી જોઈએ. પ્રાણીઓને છાંયડામાં રાખવા અને પીવા માટે પુષ્કળ પ્રમાણમાં ઠંડુ અને સ્વચ્છ પાણી આપવું જોઈએ. મરઘાઘરમાં પડદા અને યોગ્ય વેન્ટિલેશન રાખવું જોઈએ. બપોરના કલાકો દરમિયાન ઢોરને ચરાવવા અને ખવડાવવાનું ટાળવું જોઈએ.