માતા માટે જીવન રક્ષક બની: 108 એમ્બ્યુલન્સ સેવા
રાજકોટના 6783 બાળકોને જન્મ સ્થળનું સરનામું બનતી 108 એમ્બ્યુલન્સ
રાજકોટના દેવગામની પ્રસુતાની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવી માતા અને બાળક માટે “108 એમ્બ્યુલન્સ” સેવા જીવન રક્ષક બની હતી. કેસ વિશે વધુ વિગતો આપતાં જિલ્લા સુપરવાઈઝરશ્રી દર્શિત પટેલએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના દેરડી કુંભાજી નજીક આવેલા દેવગામમાં ખેતમજૂરી અર્થે આવેલા પરપ્રાંતીય પરિવારના 22 વર્ષીય પ્રસુતાને પ્રસવ પીડા ઉપડતાં પ્રસુતિ માટે દેવગામનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા.
2 કલાક જેટલી મહેનતનાં અંતે પણ પ્રસુતિ ન થતાં ફરજ પરના હાજર ડોકટરોએ નજીકની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અમરેલી ખાતે લઈ જવા માટે 108ને કોલ કર્યો હતો. દેરડી કુંભાજી લોકેશન સ્થિત 108ની ટીમનાં ઈ.એમ.ટી. બિપીનભાઈ બાવળીયા અને પાયલોટ સંજયભાઈ મારૂ કોલ મળતા જ ગણતરીની મિનિટોમાં જ સત્વરે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અમરેલી હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ રસ્તામાં પ્રસુતિ કરાવવી જરૂરી જણાતા ઈ.એમ.ટી. બિપીનભાઈએ સમયસુચકતા વાપરી રસ્તાની સાઇડમાં જ એમ્બ્યુલન્સ ઊભી રાખી 108 હેડ ઓફિસનાં ડો. અંજલીબેનની ટેલીફોનીક મદદ મેળવી સફળતાપૂર્વક નોર્મલ પ્રસુતિ કરાવી હતી.
માતા અને બાળકને યોગ્ય સારવાર આપી બંનેનો જીવ બચાવ્યો હતો. વધુ સારવાર અર્થે માતા અને બાળકને નજીકનાં સામુહિક આરોગ્ય કેન્દ્ર – ચિતલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબિબોએ વધુ સારવાર પૂરી પાડી હતી. હાલ બાળક અને માતા બન્ને સંપુર્ણપણે સ્વસ્થ છે. 108 સેવામાં આવેલા કેસ વિશે માહિતી આપતાં ઈ.એમ.આર.આઈ.ગ્રીન હેલ્થ સર્વિસનાં પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરએ જણાવ્યું હતું કે, 108 એમ્બ્યુલન્સ સેવામાં આવતા જુદા-જુદા કેસો પૈકી મોટા ભાગે ગર્ભાવસ્થા સંબંધિત કેસ આવતા હોય છે.
ગત એપ્રિલ ગર્ભાવસ્થા સંબંધિત રાજકોટમાં 1126 સહીત ગુજરાતમાં 28,854 કેસ સાથે અત્યાર સુધીમાં રાજકોટનાં 1,97,395 સહીત કુલ 49,94,988 કેસ નોંધાયા હતા. 108ની સેવા દ્વારા પ્રસુતાઓને હોસ્પિટલ પહોંચાડવાની સાથે સાથે જરૂર જણાયે સમયસૂચકતાથી એમ્બ્યુલન્સમાં જ ઈ.એમ.ટી.ની મદદથી સફળ પ્રસુતિ કરવામાં આવતી હોય છે. આવા કિસ્સામાં એપ્રિલ માસમાં રાજકોટનાં 48 સહીત ગુજરાતમાં કુલ 784 પ્રસુતાઓની સફળ પ્રસુતિ કરાવી હતી. અત્યાર સુધીમાં રાજકોટનાં 6,783 સહીત ગુજરાતમાં 1,29,260 બાળકોનાં જન્મસ્થળનું સરનામું “108 એમ્બ્યુલન્સ” બની ચુકી છે.