હાલ રાજકોટ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે. ત્યારે અત્યાર સુધીમાં જિલ્લાના 31,209 ખેડૂતો પાસેથી 5 લાખ 79 હજાર 142 ક્વિન્ટલથી વધુ ચણા અને 151 ખેડૂતો પાસેથી 3432 ક્વિન્ટલથી વધુના રાયડાની ખરીદી કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ ગોંડલ તાલુકાના 8,823 ખેડૂતો પાસેથી 1,65,561 ક્વિન્ટલ ચણા અને રાજકોટ તાલુકાના 128 ખેડૂતો પાસેથી 2,994 ક્વિન્ટલ રાયડો ખરીદવામાં આવ્યા છે.
સતત ખરાબ હવામાન અને માવઠાની આગાહીને પગલે કૃષિ જણસીને સુરક્ષિત રાખી શકાય તે અનુસંધાને ટેકાના ભાવની ખરીદી માટે રોજ 50 જેટલા ખેડૂતોને બોલાવવામાં આવી રહ્યા છે. રાજકોટ જિલ્લાના જેતપુર અને જામકંડોરણા તાલુકાઓમાં હજુ ખરીદી ચાલુ છે, આ સિવાયના અન્ય તાલુકાઓમાં ટેકાના ભાવની ખરીદી પૂર્ણ કરવામાં આવી છે.જણસીને સુરક્ષિત રાખી શકાય તે માટે કમોસમી વરસાદની આગાહીને પગલે હાલ ટેકાના ભાવની ખરીદી પ્રક્રિયાને અટકાવવામાં આવી છે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી અશોક સોજીત્રાએ જણાવ્યું હતું.