બદલાયેલી જીવનશૈલીએ જિંદગીનું મુખ મોત તરફ વાળ્યું
શહેરમાં પરિણીતા અને શ્રમિકના આંખના પલકારામાં જીવન દીપ બુઝાયા
શહેરમાં વાતાવરણની જેમ જાણે માણસોની જિંદગીનું પણ ઠેકાણું ના રહ્યું હોય તેમ અકસ્માત તો ઠીક પરંતુ હાર્ટ ફેઇલ થઈ જતાં વધુ બે લોકોના મોત નિપજયા છે. નાની ઉંમરની પરિણીતા અને શ્રમ કરી સુડોળ શરીર ધરાવતા શ્રમિકોને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું હતું. બદલાયેલી જીવન શૈલીએ જાણે જિંદગીનું મુખ મોત તરફ વાડી દીધું હોય તેમ હજુ બે દિવસ પહેલા જ બે યુવાનોના હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યા હતા. ત્યારે આજરોજ ફરી એકવાર એક નાની ઉંમરની પરિણીતા અને એક શ્રમિકનું હૃદય બેસી જતા મોત થયું હોવાનું પોલીસ ચોપડે નોંધાયા છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ મવડી ચોકડી પાસે આવેલી પ્રિયદર્શન સોસાયટી શેરી નંબર -4માં રહેતા મનીષાબેન યજ્ઞેશભાઇ ડાભી નામના 32 વર્ષના પરિણીતાનું હ્રદયરોગના કારણે મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક મનીષાબેનના મોતથી બે પુત્રીએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. પરિણીતા પોતાના ઘરે અચાનક ઢળી પડ્યા બાદ તેણીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા.
તો બીજા બનાવમાં જાણવા મળતી વિગત મુજબ 150 ફૂટ રીંગ રોડ સરસ્વતી નગરમાં 25 વારિયામાં રહેતા બીરેન્દ્રભાઈ મમ્મુભાઈ રાય નામના 50 વર્ષીય પ્રૌઢ મવડી ગામમાં ગણેશભાઈ રંગાણીના ચાંદની ઓટો ઇન્ડસ્ટ્રીઝમાં કામ લેટ મશીન પર કામ કરતા હતા ત્યારે અચાનક ઢળી પડતાં તેમને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તબીબે મૃત જાહેર કર્યા હતા. મૃતકને કામ કરતી વેળાએ એકાએક હાર્ટ એટેક આવી જતા કરુણાંતિકા સર્જાઇ હોવાનુ જાણવા મળ્યું છે.
જ્યારે થોડા દિવસ પહેલા જ જીવનદીપ સોસાયટીમાં શેરી નં.1માં રહેતા અને લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ તેમજ સત્યમ્ ફાઉન્ડેશનના નેજા હેઠળ અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા સચીનભાઇ ચંદ્રકાંતભાઇ મણીયાર (ઉ.વ.46)ને છાતીમાં દુ:ખાવો ઉપડતા બેભાન હાલતમાં તાત્કાલીક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેમને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
જ્યારે તેના આગલા દિવસે શ્રીનાથજી સોસાયટીમાં રહેતા અને પીરવાડી ખાતે કારખાનું ધરાવતા અમિતભાઇ વસંતભાઇ ચૌહાણ નામના 36 વર્ષીય યુવાન કારખાનેદાર પોતાના ઘરે બેભાન હાલતમાં ઢળી પડ્યા બાદ તેમનું મોત નિપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક અમિતભાઇ ચૌહાણ પોતાની બાજુમાં રહેતા કુટુંબીક ફઇના પુત્રના લગ્નમાં ગયા હતા. જ્યાં દાંડીયારાસ રમ્યા બાદ ઘરે પરત ફરતા તેઓને હૃદયરોગનો હુમલો આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
માત્ર ઠંડી જ નહિ મિશ્ર વાતાવરણના કારણે પણ હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યુ
રાજ્યભરમાં હાર્ટ અટેકની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. ફક્ત વૃદ્ધો જ નહીં પરંતુ યુવાનો અને નાની વયના લોકોના પણ હાર્ટ અટેકથી મોત થયાના સમાચાર આવી રહ્યા છે. બદલાતી લાઈફસ્ટાઈલ હાર્ટ અટેકના મુખ્ય કારણો પૈકીનું એક છે. તે ઉપરાંત હવામાનની અસર પણ શરીર પર થાય છે. શિયાળામાં ઠંડીના કારણે હાર્ટ અટેક આવતાં લોકોના મોત થયા હોય એવું સાંભળ્યું હશે પરંતુ હવે તો કાળઝાળ ગરમી પણ લોકોના જીવ લઈ રહી છે. ઠંડીના લીધે હાર્ટ અટેકની સંખ્યા વધી જાય છે તેમ ગરમી અને ભેજના કારણે પણ રાજ્યમાં હૃદયરોગના હુમલા વધી રહ્યા હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને યુવાન વયના લોકો આના શિકાર બની રહ્યા હોવાનો સ્ટડીમાં ઉલ્લેખ છે.