છેલ્લા 24 કલાકમાં કોરોનાના 82 કેસ નોંધાયા, સામે 186 દર્દીઓ રિકવર પણ થયા : એક્ટિવ કેસ ઘટીને 750 થઈ ગયા
અબતક, રાજકોટ : રાજ્યમાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. છેલ્લા એક અઠવાડિયાથી દરરોજ નવા કેસો 100થી નીચે જ આવી રહ્યા છે. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 82 કેસ નોંધાયા છે. સામે 186 દર્દીઓ રિકવર પણ થયા છે. જેને પગલે એક્ટિવ કેસ ઘટીને 750 થઈ ગયા છે.
રાજ્યમાં કોરોનાના કેસોમાં આવેલા ઉછાળાએ નવી લહેર શરૂ થવાની દહેશત ઉભી કરી હતી. જો કે દિવસો જતા કોરોનાના કેસોમાં પણ ઘટાડો નોંધાઇ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના કેસ 100ની અંદર પહોંચી ગયા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના રાજ્યમાં કોરોનાના 82 નવા કેસ નોંધાયા છે. જેની સામે 186 દર્દીઓ સાજા થયા છે અને હાલ છ દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. જોકે, રાજ્યમાં આજે કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું નથી. જ્યારે 744 દર્દીની હાલત સ્ટેબલ છે.
કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 750 એક્ટિવ કેસ છે. જેમાંથી છ દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 744 દર્દી હાલ સ્ટેબલ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,79026 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યારસુધીમાં કોરોનાથી કુલ 11074 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
કોરોના કેસમાં કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 34 કેસ નોંધાયા છે. ત્યારબાદ વડોદરામાં 9 કેસ, સુરતમાં 7 કેસ અને રાજકોટમાં માત્ર 1 કેસ સામે આવ્યો છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 6, ગાંધીનગરમાં 4, આણંદમાં 3, સાબરકાંઠામાં 3, ભરૂચમાં 2 અને કચ્છમાં 2 કેસ નોંધાયા છે. તેમજ વલસાડમાં 1, બનાસકાંઠામાં 1, ગીર સોમનાથમાં 1, મોરબીમાં 1, નવસારીમાં 1, રાજકોટ ગ્રામ્યમાં 1 અને વડોદરા ગ્રામ્યમાં 1 કેસ નોંધાયો છે.