કોંગ્રેસમાં શિસ્તના લીરા ઉડ્યા
યુથ કોંગ્રેસના પ્રમુખની જામીન અરજી ફગાવી દેતી હાઇકોર્ટ
કોંગ્રેસમાં શિસ્તના લીરા ઉડી રહ્યા હોય તેવો મામલો સામે આવ્યો છે. જેમાં નેશનલ યુથ કોંગ્રેસના પ્રમુખે અસમના યુથ કોંગ્રેસના મહિલા પાંખના પ્રમુખની છેડતી કરી હતી. સમગ્ર મામલો હવે હાઇકોર્ટ સુધી પહોંચી ગયો છે. પીડિતા દ્વારા કરાયેલી ફરિયાદમાં યુથ કોંગ્રેસના પ્રમુખે છેડતી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જે મામલે હાઇકોર્ટએ યુથ કોંગ્રેસના પ્રમુખને જામીન આપવાનો ઇન્કાર કર્યો છે.
ઇન્ડિયન યુથ કોંગ્રેસના પ્રમુખ બી વી શ્રીનિવાસને ગુહાટી હાઇકોર્ટ તરફથી અંકિતા દત્તા દ્વારા કરવામાં આવેલા ઉત્પીડનના આરોપ અંગે રાહત મળી નથી. હાઇકોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. જસ્ટિસ અજીત બોરઠાકુરે યુથ કોંગ્રેસ અધ્યક્ષની અરજીને ફગાવી દેતા કહ્યું કે તપાસ હજુ પ્રાથમિક તબક્કામાં છે.
યુથ કોંગ્રેસના પ્રમુખનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ કેએન ચૌધરીએ દલીલ કરી હતી કે તમામ આક્ષેપો તદ્દન ખોટા છે તેમણે કહ્યું કે આ એફઆઈઆર શ્રીનિવાસની પ્રતિષ્ઠાને કલંકિત કરવાના ઉદ્દેશ્યથી નોંધવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી બદનક્ષીભરી અને નિંદાત્મક ટિપ્પણી માટે ભારતીય યુથ કોંગ્રેસના કાયદા સેલએ 18 એપ્રિલે બદનક્ષીની કાનૂની નોટિસ મોકલી હતી અને તાત્કાલિક જાહેર માફીની માંગણી કરી હતી. તેમણે કહ્યું આ પછી એપ્રિલ મહિનામાં જ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.