કેબિનેટ બેઠકમાં સંમતિ પત્રનો નિર્ણય લેવાયા બાદ 8.64 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપવાની તૈયારી દર્શાવી
ગુજરાતમાં આગામી 7મી મે રવિવારના રોજ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની પરીક્ષા યોજાવા જઈ રહી છે. આ પરીક્ષા માટે કુલ 17 લાખ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. તે પૈકીમાંથી સંમતિ આપનાર 90% જેટલા ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા છે.
પરીક્ષાની તૈયારી માટે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વ્યવસ્થા ગોઠવવા માટે પરીક્ષા સમિતિઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજાઇ હતી. અમદાવાદ સહિતના વિવિધ શહેરોમાં કુલ 2694 કેન્દ્ર ઉપર પરીક્ષા લેવામાં આવશે. હાલમાં જ 3.92 લાખ વિદ્યાથીઓએ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપી હતી. જો કે, તલાટીની પરીક્ષા માટે તેના કરતા બમણા ઉમેદવાર છે. જેથી પરીક્ષાના દિવસે વ્યવસ્થા જળવાય રહે અને કોઇ ગે2રીતિ ના થાય તે માટે મંડળ દ્વારા અત્યારથી સાવચેતી રખાઇ રહી છે.
પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્ર સાથે મળીને તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. આ વખતે ઉમેદવારોની સંખ્યા વધુ છે. જુનિયર ક્લાર્કમાં 9 લાખ કરતા વધુ ઉમેદવારો નોંધાયા હતા પરંતુ પરીક્ષા 3.92 લાખ જેટલા ઉમેદવારોએ આપી હતી. તેની સામે આ વખતે પરીક્ષા માટે સંમતિ આપનારા ઉમેદવારો જ 8.64 લાખ છે. તેમાંથી 7.76 લાખ ઉમેદવારોએ કોલ લેટર પણ ડાઉનલોડ કરી લીધા છે.
હસમુખ પટેલે પરીક્ષા કેન્દ્ર દૂર ફાળવ્યા હોવાની ઉમેદવારોની ફરિયાદ અંગે જવાબ આપતા કહ્યું હતું કે, જે જિલ્લાનો ઉમેદવાર હોય તેને તે જિલ્લામાં કેન્દ્ર ફાળવાયા નથી. ઉમેદવારોના હિતમાં અને પ્રમાણિક લોકો સરકારમાં આવે તેવા પ્રયાસના ભાગરૂપે જ આ નિર્ણય લેવાયો છે.
બનાસકાંઠા જિલ્લાના ઉમેદવારોની સંખ્યા વધુ હોવાથી તેમને મહેસાણા, પાટણ અને અમદાવાદ સુધી કેન્દ્ર ફાળવાયા છે. પરીક્ષાના દિવસે ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે એસટી અને રેલવે તંત્ર યોગ્ય વ્યવસ્થા કરશે. એનજીઓ દ્વારા રહેવા-જમવાની વ્યવસ્થા અને સહયોગ કરવામાં આવે તેવી તેઓએ અપીલ કરી છે. એસટી નિગમ દ્વારા 4500 જેટલી બસ વેકેશનમાં બસોની માગ વધુ હોવા છતાં પરીક્ષા આપતા ઉમેદવારો માટે મૂકાશે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના કાર્યકારી અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય પંચાયતી વિભાગ દ્વારા આગામી 7મી મેના રોજ તલાટીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અગાઉ 17 લાખથી વધુ ઉમેદવારોએ ફોર્મ ફર્યા હતા. જો કે, કેબિનેટ બેઠકમાં સંમતિ પત્રનો નિર્ણય લેવામાં આવ્યા બાદ 8.64 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપવાીન તૈયારી દર્શાવી છે. જે પૈકી 90 ટકા લોકોએ પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરી દીધા છે.
પેપર ફૂટવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તલાટીની પરીક્ષામાં પણ ઉમેદવારને અલગ-અલગ જિલ્લાની ફાળવણી કરવામાં આવી છે. જ્યાં 2694 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાશે.