74 પરીક્ષા કેન્દ્રો પર 1225 કર્મચારીઓ અને 430 પોલીસ સ્ટાફ ફરજ બજાવશે
સમગ્ર રાજ્યભરમાં આગામી તા. 7મી મે રવિવારના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાનાર છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં કુલ 74 પરીક્ષા કેન્દ્રો પર 21000 ઉમેદવારો પરીક્ષા આપશે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તા. 7 ના રોજ બપોરના 12-30 થી 13-30 કલાક દરમિયાન યોજાનારી તલાટી કમ મંત્રીની સ્પર્ધાત્મક પરીક્ષા જિલ્લામાં કુલ 74 પરીક્ષા કેન્દ્રો ઉપર 700 બ્લોકમાં કુલ 21000 ઉમેદવારોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. જે અન્વયે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકળાયેલ અલગ અલગ વિભાગોના અંદાજિત 120 અધિકારી-કર્મચારીઓ અને પરીક્ષા કેન્દ્રો પર અંદાજિત 1225 કર્મચારીઓને પરીક્ષાલક્ષી વિવિધ ફરજો સોંપવામાં આવેલ છે.
જૂનાગઢ જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાય અને પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય એ માટે કલેક્ટર અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તથા જૂનાગઢ તેમજ જૂનાગઢ જિલ્લાના કેન્દ્ર ખાતે કોઈ ઉમેદવારને પરીક્ષા કેન્દ્ર શોધવામાં મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા પંચાયત કચેરી, જૂનાગઢ ખાતે હેલ્પલાઇન નંબર 0285 -2336032 પર તા. 7 મે સુધી કચેરીના કામકાજના કલાકો દરમિયાન સંપર્ક કરવા જણાવાયું છે.