પુત્ર અનુજ પટેલની સારવાર માટે ભૂપેન્દ્રભાઇ પટેલ હાલ મુંબઇમાં
રાજ્ય સરકારના મંત્રી મંડળના સભ્યોની દર બૂધવારે બેઠક મળે છે. જેમાં રાજ્યની વર્તમાન સ્થિતિ સહિતની ચર્ચાઓ કરવામાં આવે છે. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ગેરહાજરીના કારણે આજે કેબિનેટની બેઠક રદ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના પુત્ર અનુજભાઇ પટેલને ગત રવિવારે બ્રેઇન સ્ટ્રોકનો એટેક આવ્યો હતો. સારવાર અર્થે અમદાવાદની કે.ડી.હોસ્પિટલ ખાતે દાખલ કરાયા બાદ વધુ સારવાર અને સર્જરી માટે મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં ગત સોમવારથી દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેઓની તબિયત સર્જરી કરાયા બાદ સુધારા પર છે. ગત સોમવારથી સીએમ મુંબઇમાં હોવાના કારણે ગુજરાત સ્થાપના દિનની ઉજવણીમાં સામેલ થઇ શક્યા ન હતા. દરમિયાન મુખ્યમંત્રીની ગેરહાજરીમાં આજે મળનારી કેબિનેટની બેઠક પણ રદ્ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
દર બૂધવારે સીએમની અધ્યક્ષતામાં મંત્રી મંડળના સભ્યોની બેઠક મળતી હોય છે. જેમાં રાજ્યની વર્તમાન સ્થિતિ, નિતિ વિષયક નિર્ણય, કોઇ અગત્યની યોજના સહિતના મુદ્ે ચર્ચાઓ કરવામાં આવતી હોય છે. રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી સતત વરસાદ પડી રહ્યો છે. આવામાં ખેડૂતોને કમોસમી વરસાદની સહાય અંગે સરકાર દ્વારા ઘોષણા કરવામાં આવશે. તેવી જગતાત રાહ જોઇ રહ્યો છે. જો કે, આજે કેબિનેટની બેઠક રદ્ થતા હવે આવતા સપ્તાહે માવઠાની સહાય અંગે જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.