કોઠારીયા સેવા મંડળી દ્વારા રૂ. 5.37 કરોડની ઉચાપત થઇ તી: જવાબદાર 11 કર્મી પણ સસ્પેન્ડ
જૂનાગઢની જિલ્લા સહકારી બેંક સાથે થયેલ રૂ. 5.37 કરોડની ઉચાપત મામલે અબ તક એ કરેલા ઇન્વેસ્ટીગેશન રિપોર્ટ અક્ષર: સાચો સાબિત થઈ રહ્યો છે અને કોઠારીયા સેવા સહકારી મંડળીનો રેલો જૂનાગઢની જિલ્લા સહકારી બેન્ક સુધી પહોંચ્યો છે, જેમાં અગાઉ બેંકના 11 કર્મીઓને સસ્પેન્ડ કરાયા બાદ અંતે બેંકની સમગ્ર મામલે દેખરેખ રાખવાની જેમના શિરે જવાબદારી હોય છે તેવા જુનાગઢ જિલ્લા સહકારી બેંકના સીઈઓ કિશોર ભટ્ટને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
આ અંગ જૂનાગઢ જિલ્લા સહકારી બેન્કના ચેરમેનના કિરીટભાઈ પટેલના જણાવ્યા અનુસાર, સોરઠના 3 જિલ્લા એવા જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામા જુનાગઢ જિલ્લા સહકારી બેંકની 45 જેટલી શાખાઓ આવેલી છે. ત્યારે માણાવદર તાલુકાના કોઠારીયા સેવા સહકારી મંડળી દ્વારા રૂ. 5.37 કરોડની ઉચાપતનો મામલો સામે આવ્યો હતો. અને આ ઉચાપત મામલે બેંકના શાખા મેનેજરથી લઈને ઇન્સ્પેક્શન કરનાર એવા કુલ 11 જેટલા કર્મચારીઓને ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
બેંકના ચેરમેન કિરીટ પટેલના વધુમાં જણાવ્યા અનુસાર, કોઠારીયા સેવા સહકારી મંડળી દ્વારા છેલ્લા પાંચ વર્ષ દરમિયાન રૂ. 5.37 કરોડની ઉચાપત થઈ હતી. અને તેમાં બેંકના જવાબદાર કર્મચારીઓ અને અધિકારીઓની ફરજમાં બેદરકારી સામે આવતા, ગત તા. 29 ના રોજ મળેલી જિલ્લા બેંકના ડિરેક્ટરોની એક બેઠકમાં આવા બેદરકાર કર્મચારીઓ અને અધિકારીઓ સામે કડક કામગીરી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
જેને લઈને જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના શાખા મેનેજરથી લઈને ઇન્સ્પેક્શન કરનાર અધિકારીઓ સહિત કુલ 11 ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તે સાથે બેંકની દેખરેખ રાખવાની જેમના શિરે તમામ અને સંપૂર્ણ જવાબદારી હોય છે તેવા જિલ્લા બેંકના સીઈઓ કિશોર એચ. ભટ્ટને અગાઉ ફરજિયાત પર રજા પર ઉતારી દેવામાં આવ્યા હતા. પરંતુ તેમને પણ સસ્પેન્ડ કરી દેવાનો બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.