સાગર સંઘાણી
ઉજ્જવળ ભવિષ્ય માટે ભણતર પર ભાર મુકવો એ સારી બાબત કહેવાઈ પરંતુ એ જ ભણતરનો ભાર ક્યારેક ક્યારેક એટલો વધી જતો હોય છે કે વિદ્યાર્થીઓ પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે ત્યારે જામનગરમાં જ આવી એક ચકચાર મચાવી દેતી ઘટનાં સામે આવી છે જેમાં અભ્યાસના ટેન્શન ના કારણે જિંદગીથી તંગ આવી ગઈ ગળા ફાંસા ખાઈ આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસે ઘટનાં સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગર જીલ્લાની છે જ્યાં પટેલ કોલોની ૧૧માં ખ્યાતિ એપાર્ટમેન્ટના બ્લોક નંબર ૨૦૩ માં રહેતી અને મૂળ ખંભાળિયાના જડેશ્વર સોસાયટી વિસ્તારની રહેવાસી માહી નિલેશભાઈ ગોહેલ નામની ૧૫ વર્ષની વિદ્યાર્થીનીએ ગઈકાલે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી જીવન પર પૂર્ણવિરામ મૂકી દીધો હતો.
આ બનાવ અંગે મૃતકના પિતા નિલેશભાઈ ગોહેલે પોલીસને જાણ કરતાં પીએસઆઈ એસ.વી. સામાણી ઘટના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક ગત વર્ષમાં ૧૧ સાયન્સમાં અભ્યાસ કરતી હતી, અને ગયા વર્ષે બીમારીના કારણે એક વર્ષ માટેનો ડ્રોપ લીધો હતો અને ચાલુ વર્ષે છેલ્લા ૨૫ દિવસથી ધોરણ ૧૧ નો અભ્યાસ કરતી હતી, જે અભ્યાસ રીપીટ થતો હોવાથી પોતે કંટાળી ગઈ હતી, અને ગળાફાંસા દ્વારા પોતાની જિંદગીનો અંત લાવી દીધો હતો. સમગ્ર મામલે પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવે છે.