દેણું કરીને ઘી પીવાય
દેશમાં એપ્રિલ મહિનામાં જીએસટી કલેક્શન ૧૨ ટકા વધીને ૧.૮૭ લાખ કરોડે પહોંચ્યું, રેકોર્ડબ્રેક આવકે રાજકોશિય ખાધને રાહત આપવામાં મહત્વનો ભાગ ભજવ્યો
ભારતના નાણાકીય વર્ષ 2023-24 બજેટમાં રાજકોષીય ખાધ જીડીપીના 5.9 ટકા રાખવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. સરકારના રાજકોશિય ખાધને સંકુશમાં રાખવાના આ પ્રયાસમાં જીએસટીની રેકોર્ડબ્રેક આવકે મહત્વનો ભાગ ભજવ્યો છે.
દેશમાં એપ્રિલ મહિનામાં જીએસટી કલેક્શન ૧૨ ટકા વધીને ૧.૮૭ લાખ કરોડ થયું છે જે અત્યાર સુધીની સૌથી વધુ માસિક કલેક્શન છે તેમ નાણા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે.આ અગાઉનું સૌથી વધુ જીએસટી કલેક્શન એપ્રિલ, ૨૦૨૨માં ૧.૬૮ લાખ કરોડ રૃપિયા નોંધવામાં આવ્યું હતું.
એપ્રિલ, ૨૦૨૩માં જીએસટી કલેક્શન ૧,૮૭,૦૩૫ કરોડ રૃપિયા રહ્યું છે. જેમાં સીજીએસટી ૩૮,૪૪૦ કરોડ રૂપિયા, એસજીએસટી ૪૭,૪૧૨ કરોડ રૂપિયા, આઇજીએસટી ૮૯,૧૫૮ કરોડ રૂપિયા અને સેસ ૧૨,૦૨૫ કરોડ રૂપિયા રહ્યું છે.
એપ્રિલ, ૨૦૨૩માં એપ્રિલ, ૨૦૨૨ની સરખામણીમાં જીએસટી કલેકશનમાં ૧૨ ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે.૨૦ એપ્રિલ, ૨૦૨૩ના રોજ એક જ દિવસમાં ૯.૮ લાખ ટ્રાન્ઝેકશન દ્વારા ૬૮,૨૨૮ કરોડ રૂપિયાનું ટેક્સ કલેક્શન થયું હતું. જે એક દિવસમાં થયેલુ અત્યાર સુધીનું સૌથી વધારે કલેક્શન છે.
ઉલ્લેખનીય છે કે ૨૦ એપ્રિલ, ૨૦૨૨ના રોજ ૯.૬ લાખ ટ્રાન્ઝેકશન દ્વારા ૫૭,૮૪૬ કરોડ રૃપિયાનું ટેક્સ કલેક્શન થયું હતું.નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર માર્ચ, ૨૦૨૩માં ૯ કરોડ ઇ-વે બિલ જનરેટ કરવામાં આવ્યા હતાં. ફેબુ્રઆરી, ૨૦૨૩માં ૮.૧ કરોડ ઇ-વે બિલ જનરેટ કરવામાં આવ્યા હતાં. આમ ફેબુ્રઆરીની સરખામણીમાં માર્ચમાં ૧૧ ટકા વધુ ઇ-વે બિલ જનરેટ કરવામાં આવ્યા છે.
વિક્રમજનક જીએસટી કલેક્શન અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર છે. ટેક્સના દર નીચા હોવા છતાં ટેક્સ કલેકશનમાં વધારો જીએસટીની સફળતા દર્શાવે છે.