શહેરમાં નાની-મોટી બાબતે આપઘાત કે આપઘાતના પ્રયાસોની ઘટના સામે આવી હોય છે. તેવી જ રીતે વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં ઘર કંકાસથી કંટાળી માતા રિસામણે ચાલી ગયા બાદ પિતા પુત્ર વચ્ચે પણ માથાકૂટ શરૂ થઈ હતી. જેના પુત્રએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સગીરને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રેલનગર વિસ્તારમાં આવેલી લાલ બહાદુર શાસ્ત્રી ટાઉનશીપમાં રહેતા મોઈન ફિરોજભાઈ શામદાર નામનો 17 વર્ષનો સગીર રાત્રિના સાડા દસેક વાગ્યાના અરસામાં બજરંગવાડી સર્કલ પાસે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. સગીરને ઝેરી અસર થતા બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
જેમાં પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઝેરી દવા પી લેનાર મોઇન શાહમદારના પિતા અને તેની માતા વચ્ચે ચાલતા ઝઘડાથી કંટાળી માતા રિસામણે ચાલી ગઈ હતી. બાદમાં ફિરોજ શાહમદારે પુત્ર મોઇન સાથે ઝઘડા શરૂ કર્યા હતા. જેથી ગૃહકલેશથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.