કલેક્ટર રાણાવસિયાએ પ્રાકૃતિક ખેતીની મુહિમને આગળ વધારવા ખેડૂતની વાડીએ અધિકારીઓ સાથે બેઠક યોજી
જુનાગઢ કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીના વ્યાપ વધારવા માટે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતની વાડીએ આત્મા-ખેતીવાડીના અધિકારીઓ સાથે બેઠક યોજી, પ્રાકૃતિક ખેતીની મુહિમને તેજીથી આગળ વધારવા માટે અધિકારી-કર્મચારીઓ સાથે પરામર્શ કર્યો હતો. તથા પ્રાકૃતિક ખેતીથી પ્રાપ્ત થયેલા હકારાત્મક પરિણામો જાણકારી મેળવી હતી. સાથે જ પ્રાકૃતિક ખેતીમાં અવરોધ રૂપ રહેલા પરિબળો વિશે પણ અધિકારીઓ સાથે વિશદ ચર્ચા કરી હતી.
આ સાથે કલેક્ટર એ છેલ્લા એક દાયકાથી પ્રાકૃતિક ખેતી કરતા હિતેશ દોમડીયા પાસેથી તેમના અનુભવો જાણ્યાં હતા. સાથે જ પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા-કાર્બન, પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ-પ્રક્રિયા, પિયત વગેરેની ઝીણવટભરી જાણકારી ઉપરાંત ઉત્પાદિત પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે ઉપલબ્ધ બજાર વિશે પણ ચર્ચા કરી હતી.કલેકટર એ પ્રાકૃતિક ખેતીમાં અનિવાર્ય એવા ઘનામૃત-જીવામૃતના ઉત્પાદનમાં ગૌશાળા અને ખાનગી એકમોને જોડવા માટે પણ સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
ઉપરાંત ગાય નિભાવ ખર્ચ માટેની યોજનાનો ખેડૂતો-પશુપાલકો સુધી મહત્તમ લાભ પહોંચે તે માટે પણ સૂચના આપી હતી.ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ જિલ્લામાં 12,000 થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાઈ ચૂક્યા છે.