ખાનગી વિજ કંપનીઓ પાસેથી બે વર્ષમાં રૂ. 24512.75 કરોડની વીજળી ખરીદી કરી: શ્ર્વેત પત્ર બહાર પાડવાની કોંગ્રેસની માંગ
ભાજપ સરકારના શાસનમાં ગુજરાત સરપ્લસ પાવર સ્ટેટ નહીં પણ દેશમાં ’પાવર પરચેઝ સ્ટેટ નં. 1’ બની ગયું છે. ભાજપ સરકારે પાવર પરચેઝ એગ્રીમેન્ટના ભાવોનો ઉલાળિયો કરીને ઊંચા ભાવે વીજળી ખરીદી કરી કરોડો રૂપિયા ખાનગી વીજ કંપનીઓને ચૂકવી મોટા પાયે ભ્રષ્ટાચાર આચર્યાનો ગંભીર આક્ષેપ કરતા પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા કોસ્ટલ ગુજરાત પાવર લિ. (ટાટા પાવર) સાથે તા.22-7-2007ના રોજ 25 વર્ષ માટે રૂ.2.26 પ્રતિ યુનિટના દરે વીજ ખરીદીની કરાર કરવામાં આવેલ તેમછતાં રૂ.5.90 પ્રતિ યુનિટ સુધીના ઉંચા ભાવો ચુકવી વીજ ખરીદી કરવામાં આવે છે.
સને 2021 અને 2022માં ટાટા પાવર પાસેથી 17,761 મીલીયન યુનિટ વીજળી ખરીદવામાં આવેલ છે, રૂ.2.26 પ્રતિ યુનિટના બદલે વર્ષ 2021માં સરેરાશ રૂ.2.81 પ્રતિ યુનિટ અને વર્ષ 2022માં રૂ.4.92 પ્રતિ યુનિટ લેખે ચૂકવવામાં આવેલ છે. આમ, રાજ્ય સરકારે 1497 કરોડ ફીકસ પેટે મળીને કુલ રકમ રૂ.6,788 કરોડની માતબર રકમ ટાટા પાવરને ચૂકવી છે. મુળ કરાર મુજબ વીજળી ખરીદી કરવામાં આવી હોત તો આ રકમમાં જેટલી ઓછી ચૂકવવી પડી હોત.
રાજ્યમાં આવેલ રાજ્ય સરકાર હસ્તકના વીજ પાવર પ્લાન્ટ જેવા કે સિક્કા થર્મલ પાવર પ્લાન્ટ, ઉત્તરાણ ગેસ પાવર પ્લાન્ટ, ધુવારણ ગેસ પાવર પ્લાન્ટ, ગુજરાત સ્ટેટ એનર્જિજનરેશન કંપની લિ.હજીરા(સ્ટેજ-2) અને ગુજરાત ઈન્ડસ્ટ્રીજ પાવર કપંની લિ.(એસ.એલ.પી.પી.)માં ઉત્પાદન શૂન્ય છે, જ્યારે રાજ્ય સરકાર હસ્કતના અન્યો પાવર પ્લાન્ટો માંડ 30%ની ક્ષમતાએ ચલાવવામાં આવે છે તેની સામે ખાનગી કંપનીઓ 86%ની ક્ષમતાએ ચલાવવામાં આવે છે. આમ, સરકારી પ્લાન્ટ પુર્ણ ક્ષમતાએ ચાલી શકે તેવા સક્ષમ પ્લાન્ટ હોવા છતાં રાજ્ય સરકાર ખાનગી વીજ ઉત્પાદકોને ફાયદો કરાવવા, ખાનગી ઉત્પાદકોની વીજળી ખરીદવા માટે સરકારી પાવર પ્લાન્ટ ચલાવતી નથી.
રાજ્યમાં વીજ વપરાશ કરતાં રહેણાંક કક્ષાના ગ્રાહકો પાસેથી ગ્રામ્ય વિસ્તારમાં 7.5% અને શહેરી વિસ્તારમાં 15%ના દરે વીજ ડ્યુટી અન્વયે વર્ષ 2021માં રૂ.1294.93 કરોડ અને વર્ષ 2022માં રૂ.1492.69 કરોડ મળી બે વર્ષમાં 2787.62 કરોડ વીજ ગ્રાહકો પાસેથી વસુલવામાં આવ્યા છે. રાજ્ય સરકારે વિવિધ ખાનગી વીજ મથકોને વર્ષ 2021માં રૂ.10454.67 કરોડ અને વર્ષ 2022માં રૂ.14058.08 કરોડ મળી કુલ રૂ.24,512.75 જેટલી માતબર રકમ ચૂકવવામાં આવી છે.
રાજ્ય સરકાર સંચાલિત વીજ મથકોમાં બે વર્ષમાં 4,29,15,506 મેટ્રીક ટન કોલસાની અને 8.08 MMSCMD ગેસના જથ્થાની જરૂરીયાત હતી તે માંગણી રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ કરવામાં આવેલ હતી. તે અન્વયે કેન્દ્ર સરકારે ગેસના જથ્થાની ફાળવણી કરેલ. જરૂરીયાત કરતાં 1,50,30,637 મેટ્રીક ટન કોલસો અને 1.03 MMSCMD ગેસના જથ્થાની ઓછી ફાળવણી કરવામાં આવેલ છે.
વર્ષ 2001-02થી વર્ષ 2017-18 સુધીમાં સરકારી વીજમથકો કરતાં ખાનગી વીજ મથકોની વીજ ઉત્પાદન ક્ષમતામાં 611%નો જ્યારે વીજ ઉત્પાદનમાં 11279%નો વધારો થયો. રાજ્ય સરકાર દ્વારા કોલસાનું કારણ આગળ કરીને, વીજ મથકના રીપેરીંગનું કારણ આગળ ધરીને ખાનગી વીજ ઉત્પાદકો પાસેથી કરોડો રૂપિયાની વીજળી ખરીદવામાં આવે છે. વર્ષ 2008-09થી 2017-18માં રાજ્ય સરકાર દ્વારા ખાનગી વીજ ઉત્પાદકો પાસેથી 2,88,598 મિલિયન યુનિટ કરતાં વધારે વીજળી ખરીદવામાં આવી છે અને તે પેટે ખાનગી કંપનીઓને રૂ. 80,728 કરોડથી વધારેની રકમ ચૂકવાઈ છે.
સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવે છે કે, બે વર્ષમાં તમામ ખેડૂતોને વીજજોડાણ આપી દેવામાં આવશે. આજે રાજ્યમાં 1,96,860 કરતાં વધારે ખેતીવિષયક વીજજોડાણો મેળવવાની અરજીઓ પડતર છે. એક લાખ કરોડની વીજળી ખરીદાઇ પણ ભાજપ સરકાર ખેડૂતોને 6 કલાક પણ વીજળી આપી શકી નથી. સરકારે ખેડૂતો માટે વીજળી નથી ખરીદી પણ ઉદ્યોગો માટે ખરીદી છે. જર્ક દ્વારા મેરીટ ઓર્ડર મુજબ એટલે કે સસ્તી વીજળી ખરીદવાના નિયમનો પણ ભાજપ સરકાર દ્વારા ભંગ કરવામાં આવે છે.
ગુજરાત સરકારે અદાની, એસ્સાર, ટાટા સાથે વીજ ખરીદી માટે 25 વર્ષના કરાર કરેલ છે ઉર્જામંત્રીએ યુનિટદીઠ વીજ ખરીદીના ભાવો દર્શાવ્યા છે જેના કરતા ઊંચા ભાવે વીજ ખરીદી કરવામાં આવી છે. ભાજપ સરકારના શાસનમાં ગુજરાત રાજ્ય સરપ્લસ પાવર સ્ટેટ નહીં પણ દેશમાં ’પાવર પરચેઝ સ્ટેટ નં. 1’ બની ગયું છે. ભાજપ સરકારે પાવર પરચેઝ એગ્રીમેન્ટના ભાવોનો ઉલાળિયો કરીને ઊંચા ભાવે વીજળી ખરીદી કરી કરોડો રૂપિયા ખાનગી વીજ કંપનીઓને ચૂકવી મોટા પાયે ભ્રષ્ટાચાર આચર્યો છે. ત્યારે છેલ્લા પંદર વર્ષમાં સરકારી વિજમથકોની ક્ષમતા, ઉત્પાદન યુનિટો, ખાનગી વિજ કંપનીઓની ક્ષમતા, ઉત્પાદન, વસુલ કરવામાં આવતા નાણાં, સરકારે ખરીદેલા વિજ યુનિટનો દર સહિતની વિગતો સાથે શ્વેતપત્ર બહાર પાડવા કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.