‘અબતક’ની મુલાકાતમાં પદ્મશ્રી હેમંત ચૌહાણ સન્માન સમિતિ દ્વારા હેમંતભાઈ ચૌહાણની સિદ્ધિ ગાથા અને આ ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા કલા રસીકોને આહવાન
રાજકોટના રતન સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશભરમાં ભજનીક તરીકે દાયકાઓની ધર્મ સંસ્કૃતિ ભજન સાધના સેવાના મહારથી હેમંતભાઈ ચૌહાણને પદ્મશ્રીનું સન્માન પ્રાપ્ત થયું છે. પદ્મશ્રી હેમંત ચૌહાણના સન્માન માટે રાજકોટ નાગરિક સહકારી બેંકના સહયોગથી 100 જેટલી સંસ્થાઓને જ્ઞાતિ મંડળો દ્વારા ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે રાજકોટમાં પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણના ભવ્ય બહુમાન અંગે ‘અબતક’ની મુલાકાત આવેલા પદ્મશ્રી હેમંત ચૌહાણ સન્માન સમિતિના આગેવાનો પ્રોફેસર ડોક્ટર સુનિલભાઈ જાદવ, સુપ્રસિદ્ધ કવિ સંજુભાઈ વાળા, જાણીતા ભજનીક આર આર પી જોશી જાણીતા કલાકાર મયુરભાઈ ચૌહાણ સામાજિક કાર્યકર અગ્રણી જગદીશભાઈ ભોજાણી એ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે વી.વી.પી. એન્જિનિયરિંગ કોલેજના મેઘાણી ઓડિટોરિયમ હોલમાં તારીખ 30 એપ્રિલે રવિવારે સાંજે 4 થી 6 દરમિયાન પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણનું ભવ્ય બહુમાન કરવામાં આવશે.
આગેવાનોએ જણાવ્યું હતું કે પદ્મશ્રી મેળવવી એમ સાહિત્ય જગત અને જાહેર જીવનમાં ખૂબ મોટી સિદ્ધિ ગણાય તેમજ હેમંતભાઈ ચૌહાણની દાયકાઓની ધર્મ અને સાહિત્યની સેવાનું યોગ્ય પુરસ્કાર મળ્યું હોય તેમ આ પદ્મશ્રીથી ખરેખર તો ભજનનું સન્માન થયું છે અને તેમના માધ્યમથી રાજકોટની ભૂમિને આ સૌ પ્રથમ પદ્મ મળ્યું હોય રાજકોટ શહેર જિલ્લાના તમામ નાગરિકો માટે આ ગૌરવની ઘડી ગણાય.
રવિવારે વીવીપી એન્જિનિયરિંગ કોલેજના મેઘાણી ઓડિટોરિયમ હોલ તારીખ 30 એપ્રિલ રવિવારે માં સાંજે 4 થી 6 દરમિયાન આ સન્માન સમારોહમાં અતિથિ તરીકે મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા ની સાથે પદ્મશ્રી પ્રહલાદ ટિપ્પણીયા, ભીખુદાનભાઈ ગઢવી, શાહબુદ્દીનભાઈ રાઠોડ, ધીરુભાઈ સરવૈયા, શૈલેષભાઈ ઠાકર સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહેશે. વિશ્વ વંદનીય સંત પૂજ્ય મોરારીબાપુના સાનિધ્યમાં યોજાનારા આ અભિવાદન અને ગ્રંથ લોકાર્પણ હરી નામની હેલી હેમંત ચૌહાણની ભક્તિ રચનાઓને લેખો સાથેના પુસ્તક ના વિમોચનના આ કાર્યક્રમમાં હેમંતભાઈ ચૌહાણને પોતિકા ગણનારા કલા રસીકોને ઉપસ્થિત રહેવા ઇઝન આપવામાં આવ્યું છે.
પ્યાલો મેં પીધેલ છે ભરપૂર… માવાની મોરલીએ… લાવો રે કૂચી, તાળા ખોલીએ.. બાયુ મને ભીતર સતગુરૂ… નદી કિનારે નાળિયેર રે… પંખીડા ઓ પંખીડા… રંગાઈ જા ને રંગમાં… ભક્તિ કરવી એને વીજળીને ચમકારે… રામ રસ પ્યાલા હે ભરપૂર.. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી… ઊંચી મેડી તે મારાસંતની રે… બંધારણ વાળો બાબો… આજા ભીમ આજા… બુધ્ધમ્ શરણમ્ ગચ્છામી..
વગેરે અંદાજે નવ હજાર જેટલા યાદગાર ભજન-ગીત-ગરબા ગાનાર અને ભજન ગાવાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાવનાર હેમંત ચૌહાણ આકાશવાણી અને દુરદર્શન ઉપરાંત જીટીવી, આલ્ફા ટીવી, યશ ચેનલ, ટીવી-9 ગુજરાતી, ઇટીવી, સબ ટીવી, આસ્થા ચેનલ, સંસ્કાર ચેનલ, વીટીવી સહિત અનેક ચેનલો અને લાઈવ ડાયરાઓમાં પોતાના કામણગારા કંઠથી ગુજરાતી પ્રજાના હ્રદયમાં ખૂબ માનભર્યું સ્થાન પ્રાપ્ત કરી શક્યા છે.
ગુજરાત ગૌરવ પુરસ્કાર, હેમુ ગઢવી એવોર્ડ, સંતવાણી એવોર્ડ, બ્રિટિશ પાર્લામેન્ટમાં સન્માન, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ, સંગીત નાટ્ય અકાદમીનો નેશનલ એવોર્ડ અને હવે પદ્મશ્રી જેવા સન્માન પ્રાપ્ત કરી ચૂકેલા હેમંત ચૌહાણ દુનિયાના અનેક દેશોમાં ડાયરાના માધ્યમથી ભજન અને લોકસાહિત્ય પહોંચાડી ચૂક્યા છે.
ગુજરાતી ઉપરાંત હિન્દી, કચ્છી, મારવાડી, મરાઠી, બંગાળી, વ્રજ, રાજસ્થાની જેવી અનેક ભાષાના ગીતો ગાઈ ચૂકેલા હેમંત ચૌહાણે દરેક ધર્મ અને સંપ્રદાયના ગીતો ગાયા છે. ભીમસેન જોશી, લતા મંગેશકર, કુમાર ગંધર્વ, કિશોરી અમોલકર, પંડિત જશરાજ જેવા ટોચના કલાકારો પોતાના આદર્શ ગણાવતા હેમંત ચૌહાણે દાસીજીવણ, ભીમસાહેબ, ત્રિકમસાહેબ, કબીર, રોહિદાસ, સૂરદાસ ભાણસાહેબ, ખીમસાહેબ, ઉગારામબાપા, જેસલ તોરલ, લાખો-લોયણ, રૂપાદે-માલદે, રામદેવપીર, હરજી ભાઠી, રતનીબાઈ, મીરાંબાઈ, ભોજ ભગત, ધીરાભગત, અખા ભગત, મીઠા ભગત, સવાભગત સહિતનાથી છેક વર્તમાન સમયમાં કવિઓની રચનાઓ પણ ગાઈ છે.
આગામી તા.30 એપ્રિલ, 2023ને રવિવારે સાંજે 4.00 થી 6.00 દરમિયાન રાજકોટના કાલાવડ રોડ પર આવેલી વી.વી.પી. એન્જિનિયરિંગ કોલેજના ભવ્ય ઓડિટોરીયમાં પૂજ્ય મોરારિબાપુ, પરશોત્તમ રૂપાલા, પદ્મશ્રી ભીખુદાન ગઢવી, પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, પદ્મશ્રી પ્રહલાદ ટીપણીયા, સાંઈરામ દવે, ધીરૂભાઈ સરવૈયા વગેરે મહાનુભાવોની હાજરીમાં હેમંત ચૌહાણને શાલ, મોમેન્ટો, સન્માન પત્ર અને રાજકોટ નાગરિક સહકારી બેન્ક તરફથી એક લાખ એકાવન હજાર રૂપિયાની સન્માન રાશી અર્પણ કરી અભિવાદન કરવામાં આવશે. સાથે સો જેટલી સંસ્થાઓ અને જ્ઞાતિમંડળો પણ હેમંતભાઈનું અભિવાદન કરશે.
આ ગરીમાપૂર્ણ કાર્યક્રમ માટે પદ્મશ્રી હેમંત ચૌહાણ સન્માન સમિતિના ડો.સુનીલ જાદવ, કવિ સંજુ વાળા, જ્યોતીન્દ્ર મહેતા, આર. પી. જોશી, વસંત જોશી, પૈલેશભાઈ સિધ્ધપુરા, મૌલેશભાઈ ઉકાણી, દલપત ચાવડા, જગદીશ ભોજાણી, સાંઈરામ દવે, રાજીવ દોશી, કમલનયન સોજીત્રા, પ્રતાપભાઈ પટેલ, નરેન્દ્ર ઝીબા, જ્વલંત છાયા, મયુર ચૌહાણ, ગોપાલભાઈ પટેલ, સુરેશભાઈ અજમેર વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિગતો માટે મો. નં. 9428724881 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
હેમંતભાઈ ચૌહાણને એવોર્ડ એટલે ભજન અને સૌ પ્રથમવાર રાજકોટને પદ્મસન્માન: ડો.સુનિલ જાદવ
રાજકોટ સૌરાષ્ટ્ર ગુજરાત અને વિશ્વભરમાં ભજનની દુનિયામાં એક આગવું નામ ધરાવતા હેમંત ચૌહાણને પદ્મશ્રીથી સન્માનિત કરવાની આ ઘડી અનેક રીતે વિશિષ્ટ ગણી શકાય ડોક્ટર સુનિલભાઈ જાદવએ જણાવ્યું હતું કે ભજનીકને પદ્મશ્રી એવોર્ડ મળતો હોય તેવી આ પ્રથમ ઘટના છે એટલે આ એવોર્ડ ‘ભજન’ને અપાયો ગણાય સાથે સાથે હેમંતભાઈ ચૌહાણના માધ્યમથી રાજકોટને સૌપ્રથમવાર પદ્મસન્માન મળ્યું છે એ રાજકોટ માટે અને સૌરાષ્ટ્ર માટે વધુ ગૌરવ રૂપ ગણાય