માર્ગ અકસ્માતો અટકાવવા સઘન કાર્યવાહી કરવા સીપી રાજુ ભાર્ગવનો આદેશ
રોડ સેફટી કાઉન્સિલની બેઠકમાં સંબંધિતત અધિકારીઓને કરાય તાકીદ
અકસ્માત નિવારણ અને ટ્રાફિક નિયંત્રણ અર્થે ગુજરાત રોડ સેફટી ઓથોરિટી હેઠળ કાર્યરત રાજકોટ રોડ સેફટી કાઉન્સિલની બેઠકમાં વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવતી કામગીરીનું મૂલ્યાંકન રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે કર્યું હતું અને ગંભીર અકસ્માતનું પ્રમાણ ઘટાડવા રોડ એન્જીનીયરીંગના ભાગરૂપે જંક્સન તેમજ રોડ પર જરૂરી સાઈનબોર્ડ મુકવા, લાઇટિંગ ગોઠવવા તેમજ ટ્રાફિક નિયમો અર્થે જનજાગૃતિ પર ભાર મૂકી આ બાબતમાં સઘન કાર્યવાહી કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને સુચના આપી હતી.
આ મિટિંગમાં બ્લેક સ્પોટ પર થર્મોપ્લાસ્ટ રોડ માર્કિંગ, ઝીબ્રા માર્કિંગ, સાઈનેજીસ જેવા કે ડાયવરઝ્ન, ગો સ્લો, બમ્પ અહેડ, તેમજ પૂરતા પ્રમાણમાં લાઇટિંગ અંગે નેશનલ હાઇવે, આર.એન્ડ.બી. મહાનગર પાલિકા સહીતના વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીનું પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું હતું.
રાજકોટના શહેરી વિસ્તારના વિસ્તરણ સાથે વધુ ટ્રાફિક સિગ્નલ અંગે સર્વે, ટ્રાફિક દબાણકર્તા વિરુદ્ધ ઝુંબેશ, રોડ પર સર્કલો રી-ડિઝાઇન કરવા, બિન વારસુ ગાડીઓ દૂર કરવા, ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ વધારવા સહિતના મુદ્દાઓ અંગે કમિશનર દ્વારા માર્ગદર્શન અપાયું હતું. ડેટા સર્વેક્ષણ મુજબ કુવાડવા ઝોન અને આજી ડેમ ઝોન વિસ્તારમાં અકસ્માતોનું પ્રમાણ સૌથી વધુ નોંધાયું છે. બપોરના 3 થી 5 દરમ્યાન તેમજ સાંજે 6 થી 8 તેમજ મોડી રાત્રે અકસ્માતનું પ્રમાણ સૌથી વધુ રહે છે.
રોડ સેફટી કમિટીના એક્ઝિક્યુટિવ ચીફ એન્ફોર્સમેન્ટ ઓફિસર જે.વી. શાહે હિટ એન્ડ રન કેસમાં નવા નિયમ મુજબ સેલેથીયમ ફંડમાં વધારો કરી ગંભીર અકસ્માતમાં રૂ. 50 હજાર તેમજ મૃત્યુ અર્થે રૂ. 2 લાખ વળતર મળતું હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત અકસ્માતમાં ઘાયલને દવાખાના સુધી પહોંચાડનારને ’ગુડ સમરિટન એવોર્ડ’ પણ આપવામાં આવતો હોવાની વિગતો આપી હતી.
આ બેઠકમાં જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા બ્રિજ નિર્માણની આસપાસ ટ્રાફિકને અડચણરૂપ વાહનો તેમજ રેકડી ધારકોને દૂર કરવા માટે ખાસ ડ્રાઈવ યોજવામાં આવી રહ્યાનું ટ્રાફિક ડી.સી.પી. પૂજા યાદવે જણાવ્યું હતું.રોડ સેફટી મિટિંગમાં નાયબ પોલીસ કમિશનર સુધીર દેસાઈ, એ.સી.પી.ટ્રાફિક જે.બી.ગઢવી, આર.ટી.ઓ. કે.એમ.ખાપેડ સહીત મહાનગરપાલિકા, હાઈ-વે ઓથોરિટી, પી.જી.વી.સી.એલ, એલ.એન્ડ.ટી, એન.એચ.આઈ.એ. આર.એન્ડ.બી. સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં