સાગર સંઘાણી
અનેક વખત રજૂઆત કરવા કરતા લોકોની માંગ ન પૂરી કરવામાં આવે તે સમયે તેઓ અલગ-અલગ રીતે વિરોધ નોંધાવતા હોય છે ત્યારે જામનગરના ટ્રાન્સપોર્ટર દ્વારા ખામીવાળા ટ્રકને લઈને કંપની સામે અનોખો વિરોધ દર્શાવ્યો હતો પાંચ ટ્રક ને ઉંટ ગાડી સાથે બાંધીને ઢોલ નગારા વગાડીને કંપનીના દ્વારા લઈ જવાતાં કુતુહલ સર્જાયું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગર જીલ્લાની છે જ્યાં એક ટ્રાન્સપોર્ટના ધંધાર્થી દ્વારા તાજેતરમાં એક ખાનગી કંપની માંથી પાંચ ટ્રકની ખરીદી કરવામાં આવી હતી, જે તમામ ટ્રકમાં ખામી હતી, અને કંપની પાસે સર્વિસ કરાવડાવી હતી.જેના માટે રાજકોટ અને અમદાવાદથી પણ ઇજનેરો આવ્યા હતા, અને બે થી ત્રણ વખત રીપેર કરવા છતાં ખામી દૂર થઈ ન હતી તેણે ખામીવાળા ટ્રકને લઈને વિરોધ પ્રદર્શન દર્શાવ્યું હતું.
ટ્રકના વેચાણની પેઢી દ્વારા ટૂંક સમયમાં કંપની મારફતે રીપેરીંગ કામની પ્રક્રિયાઓ પૂર્ણ કરી દેવામાં આવશે, તેમ જણાવ્યું હતું. પરંતુ ટ્રાન્સપોર્ટર દ્વારા ટ્રક પરત આપી દેવાની પ્રક્રિયા કરવામાં આવી હતી.
કંપનીને જગાડવા માટે આજે સવારે તમામ પાંચ ટ્રકોને ઉંટગાડી સાથે બાંધીને હાપા સ્થિત કંપનીના શોરૂમના દ્વારે લઈ જવામાં આવ્યા હતા, અને સાથે સાથે ઢોલ નગારા વગાડીને અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેને લઇને ભારે કુતુહલ પ્રસર્યું છે.