માણાવદરની કોઠાયારા અને દગડ સેવા સહકારી મંડળીના સભ્ય કે ખેડુત ન હોવા છતાં લોન મેળવી આચરી ઠગાઇ
જુનાગઢ જીલ્લા સહકારી બેંકની માણાવદર તાલુકાની કોઠીયારા શાખાના બેંકના 7 કર્મચારીઓ તથા માણાવદર તાલુકાની શ્રી કોઠારીયા વિવિધ કાર્યકારી મંડળીઅને શ્રી દગડ સેવા સહકારી મંડળીના પ્રમુખ, સંચાલક, મંત્રી, સહમંત્રી સહિતના લોકોએ સતાનો દુરુપયોગ કરી, ઠગાઇ કરવાના ઇરાદાથી તથા બનાવટી ડોક્યુમેન્ટ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી રૂ. 5,37,82,987 ની ઠગાઇ કરી હોવાની જુનાગઢ જીલ્લા સહકારી બેંક દ્વારા 14 ઇસમો સામે ફરિયાદ થતા, સહકારી શ્રેત્રમા હડકંપ મચી જવા પામી છે, અને આ અંગે જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે તપાસ આદરી છે.
જુનાગઢ જીલ્લા સહકારી બેંકની માણાવદર તાલુકાની કોઠીયારા શાખાના બેંકના 7 કર્મચારીઓ તથા આ બેંક હેઠળ આવેલ શ્રી કોઠારીયા વિવિધ કાર્યકારી મંડળી લી.ના સંચાલક તથા શ્રી દગડ સેવા સહકારી મંડળીના મંત્રી અને સહમંત્રી તેમજ શ્રી કોઠારીયા વિવિધ કાર્યકારી મંડળી લી. અને શ્રી દગડ સેવા સહકારી મંડળીના પ્રમુખની સાથે અન્ય બે વ્યક્તિઓએ સમાન ઇરાદો પાર પાડવાના ઇરાદાથી એકબીજાને મદદગારી કરી સને 2019 થી આજદીન સુધી બેંક દ્વારા ઉપરોક્ત મંડળીઓને આપવામાં આવતી કે.સી.સી.-1 તથા 2 અને જી.સી.સી. – 1 તથા 2 નામની લોનો કે જે મંડળીના સભાસદ ખેડુતોને આપવામાં આવે છે.
જે પૈકી દિપકભાઇ ભાયાભાઇ ભારવાડીયા (રહે.જુનાગઢ) તથા જગદીશભાઇ મુકેશભાઇ જલુ (રહે. વાડાસડા તા.માણાવદર) ઉપરોક્ત સહકારી મંડળીઓના સભ્યો કે સભાસદ ખેડુત ન હોવા છતા ઉપરોક્ત બેંકે ઉપરોક્ત બંને મંડળીઓ જે લોનની રકમ આપેલ હતી. તે પૈકીની રકમ આ કામના આરોપીઓએ પોતાની સતાનો દુરપયોગ કરી તેઓના નામે તથા અન્ય વ્યક્તિઓના એકાઉન્ટમાં મંડળીની લોનની રકમ ઠગાઇ કરવાના ઇરાદાથી તથા બનાવટી ડોક્યુમેન્ટ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી મંડળી દ્વારા આ ઇસમોને લોન ન આપેલ હોવા છતા તેઓના ખાતમાં લોનની રકમ મેકર આઇડી તથા ચેકર આઇડી વડે ઓનલાઇન ટ્રાન્જેકશન કરી રૂ.5,37,82,987/- ની ઉચાપત કરી ઓળવી જઇ ગુન્હો કર્યા હોવાની જુનાગઢ જીલ્લા સહકારી બેંક વતી ગોરધનભાઇ મોહનભાઇ વાવૈયા એ માણાવદર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદના આધારે માણાવદર પોલીસે હાર્દિક ખેંગારભાઇ જલુ (રહે. દિપાંજલી-2 જુનાગઢ), ઘેલાભાઇ કાનાભાઇ ચાવડા (રહે. જોષીપરા જુનાગઢ), જગદીશભાઇ કરશનભાઇ જલુ રહે. માણાવદર) કરશનભાઇ અરશીભાઇ પાનેરા (રહે.આંબલીયા ઘેડ તા.માણાવદર), કાનાભાઇ વીરાભાઇ જલુ (રહે. જાંબુડા તા.માણાવદર), નિતેષભાઇ રાજાભાઇ ચાવડા (રહે. માણાવદર), જયુભાઇ જેન્તિભાઇ રાખસીયા (રહે. ઝાંઝરડા રોડ જુનાગઢ), મનસુખભાઇ ગોવિંદભાઇ બાલાસરા (રહે. કોઠારીયા તા.માણાદર), અશોકભાઇ ઘેલાભાઇ સોલંકી (રહે. કોઠારીયા) કેતનભાઇ નાજાભાઇ મરંઢ (રહે. કોઠારીયા), દિલીપભાઇ અરજણભાઇ ચાવડા (રહે. કોઠારીયા), દેવદાનભાઇ જેસીંગભાઇ કાનગડ (રહે.દગડ તા.માણાવદર), દિપકભાઇ ભાયાભાઇ ભારવાડીયા: (રહે.જુનાગઢ), જગદીશભાઇ મુકેશભાઇ જલુ (રહે. વાડાસડા તા.માણાવદર) સામે ગુન્હો નોંધ્યો છે, જેની તપાસ ક્રાઇમ બ્રાંચ પી,એસ.આઇ. જે.જે.ગઢવી ચલાવી રહ્યા છે.