સ્વચ્છતા સહિતની કામગીરી માટે કોર્પોરેશનના પદાધિકારીઓ અને કોર્પોરેટરોની પીઠ થાબડતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ: પડતર પ્રશ્નોના પણ નિકાલની આપી બાહેંધરી
રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના કોર્પોરેટરો સાથે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે શુભેચ્છા મુલાકાત યોજી હતી. શિક્ષણ સમિતિના વિસર્જન બાદ એક સપ્તાહમાં તમામ કોર્પોરેટરોને ગાંધીનગરથી તેડું આવતા એવી અટકળો ચાલી રહી હતી કે નગર સેવકોને સીએમ દ્વારા ઠપકો આપવામાં આવશે. જો કે, આવું કશું બન્યું ન હતું. ઉલટાનું કોર્પોરેશનના પદાધિકારીઓની કામગીરી સબબ તેઓની પીઠ થાબડી હતી. સાથોસાથ સતત વિકાસ કામો કરતા રહેવાની તાકીદ પણ કરી હતી.
આજે મુખ્યમંત્રી સાથેની શુભેચ્છા મુલાકાતમાં રાજકોટના ભાજપના 68માંથી 56 કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. શરૂઆતમાં મુખ્યમંત્રીએ પુચ્છા કરી હતી કે તમામ નગરસેવકો સંકલનમાં રહીને કામ કરો છો ને? જેનો એક સૂરમાં જવાબ આવતા મુખ્યમંત્રીએ રાજીપો વ્યક્ત કર્યો હતો. સ્વચ્છ સર્વેક્ષણમાં રાજકોટનો 12 નંબરમાંથી સિધો 7 નંબર થયો છે. જે કામગીરીની પણ સરાહના કરી હતી. સાથોસાથ એવી પણ ખાતરી આપી હતી કે શહેરીજનોની સુખાકારી માટે સતત વિકાસ કામો કરતા રહો પૈસાની કોઇ ચિંતા કરતા નહીં. સરકાર મદદ કરવા માટે બેઠી છે. પૈસાના વાંકે એકપણ વિકાસ કામ અટકશે નહિં.
મેયર ડો.પ્રદિપ ડવ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રાજકોટ મહાનગરપાલિકાના અલગ-અલગ ત્રણ પડતર પ્રશ્ર્ને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં રામનાથ મહાદેવ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા જે રૂ.180 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. તે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના હેડના બદલે આગવી ઓળખના કામોમાંથી ગ્રાન્ટ ફાળવવા, શહેરની પેન્ડિંગ ટીપી સ્કિમોનો તાત્કાલીક મંજૂરી આપવા અને વોર્ડ નં.9માં સોમનાથ સોસાયટીને નિયમિત કરવા અંગે સરકાર દ્વારા મંજૂરી માટે મુખ્યમંત્રીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. જેમાં તમામ પ્રશ્ર્નોની ટૂંક સમયમાં નિરાકરણની ખાતરી મુખ્યમંત્રીએ આપી હતી.
મુખ્યમંત્રી શુક્રવારે સુરેન્દ્રનગર અને શનિવારે કચ્છમાં
વન ડે, વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત કાર્યકર્તાઓ સાથે સંપર્ક અને સંવાદ કરશે
લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપ દ્વારા વન ડે, વન ડિસ્ટ્રીક્ટ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સમયાંતરે અલગ-અલગ જિલ્લાઓની મુલાકાત લઇ રહ્યા છે અને કાર્યકર્તાઓ સાથે સંવાદ તથા સંપર્ક કરી રહ્યા છે. આ અભિયાન અંતર્ગત આગામી શુક્રવારે મુખ્યમંત્રી સુરેન્દ્રનગર ખાતે જ્યારે શનિવારે કચ્છ જિલ્લાની મુલાકાત લેશે.
સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સૌપ્રથમ કાર્યકર્તા સંપર્ક અને સંવાદ કાર્યક્રમ અંતર્ગત કાર્યકર્તાઓ સાથે બેઠક યોજશે. ત્યારબાદ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે જ બેઠક યોજશે. શનિવારે કચ્છ જિલ્લાની મુલાકાત દરમિયાન કાર્યકર્તા સંપર્ક અને સંવાદ કાર્યક્રમ યોજાશે.