કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલ, મંત્રી ઋષિકેશભાઇ પટેલ, મંત્રી મુળુભાઈ બેરા, મંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં તમિલ લોકો સાથે વાર્તાલાપ યોજાયો
સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત ખાસ તમિલનાડુથી આવેલ લોકો માટે પથિકા મેદાન ઓડિટોરિયમ ખાતે પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદમાં કેન્દ્રીય સંસદીય બાબતો અને સંસ્કૃતિ મંત્રી અર્જુન રામ મેઘવાલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુળુભાઇ બેરા, ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
વણક્કમ કહી કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલે ઉપસ્થિત તમિલ બાંધવો સાથે સંવાદ સાધતા જણાવ્યું હતું કે, અહીં પધારેલા દરેક તમિલ બાંધવો અમારા માટે વીઆઈપી છે. તમે અમારી સમક્ષ રામનાથપુરી જિલ્લામાં પરમકુડી ખાતે યુનિવર્સિટીના નિર્માણ માટે માગણી કરી એનો મતલબ એ થયો કે તમને ભણતરમાં રસ છે, જે પ્રશંસનીય બાબત છે. મેં શિવગંગા સહિત આસપાસના વિસ્તારની મુલાકાત લીધી છે જેથી હું આપની આ લાગણી સમજુ છું અને કેન્દ્ર સરકારના સહયોગથી ભાષાની આ અડચણને દૂર કરવાનો સહિયારો પ્રયત્ન કરીશું.
વાર્તાલાપ દરમીયાન એક તમિલ બાંધવની ગુજરાતના વિકાસ મોડેલને તમિલનાડુ સહિત સમગ્ર દેશમાં લાગુ કરવાની વાત વિશે તેમણે જણાવ્યું કે આ માટે આપણે તમામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સબળ અને સશક્ત નેતૃત્વ હેઠળ એકતા અને ભાઈચારાની ભાવના સાથે સહિયારો પ્રયાસ કરવો પડશે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ ’એક ભારત શ્રેષ્ઠ ભારત’ના નિર્માણ તરફ એક અતિ મહત્વનું પગલું છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર તમિલ સંગમ દિલને દિલથી જોડવાનો કાર્યક્રમ છે. આપણે કાશ્મીરથી ક્ધયાકુમારી સુધીના પ્રદેશને જોડતો રસ્તો બનાવ્યો છે, તે જ રીતે આ સંગમના માઘ્યમથી બે પ્રદેશો વચ્ચેના સંબંધને વધુ મજબૂત કરવાનો, બે પ્રજા વચ્ચે ભાવનાત્મક જોડાણ મજબૂત કરવાનો પ્રયાસ છે. બંને પ્રજા વચ્ચે ખાનપાન, રહેણીકરણી, ભક્તિ, ભાવ, ધર્મ સહિતની બાબતોની સમાનતા છે, સાંસ્કૃતિક રીતે વૈવિધ્ય હોવા છતા એકતા છે તો એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કેમ ન કરી શકીએ. તમિલભાઈઓ દ્વારા ઉત્પાદિત કાંજીવરમની સાડી આખો દેશ પહેરે છે, એવી જ રીતે ગુજરાતની બાંધણી પણ દેશભરમાં પ્રખ્યાત છે.
એકબીજાના ખાનપાન, પોષાક અને અન્ય સાંસ્કૃતિક બાબતોથી આપણને આટલો બધો લગાવ છે ત્યારે આપણે એક રહી દેશને વધુ આગળ લઈ જવાનો છે. રામાયણની વાત કરતા મંત્રીએ જણાવ્યું કે ભગવાન શ્રી રામ જ્યારે લંકાથી સીતાને પાછા લાવ્યા દક્ષિણના પ્રદેશમાંથી તેમને ખૂબ જ સહયોગ મળ્યો હતો. સૌરાષ્ટ્ર તમિલ સંગમ એ આ સદીઓ જૂના સંબંધોની ઉજવણી છે અને ગુજરાતને તમિલનાડુ સાથે જોડવાનું કાર્ય કરે છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આ પ્રયોગ એક ભાવથી દિલોને જોડે છે. વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે, આપણે સૌએ સાથે મળીને અમેરિકા, રશિયા,ચીન જેવા દેશોને પાછળ મૂકી ભારતને વિશ્વની મહાસત્તા બનાવવાનો છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ માત્ર દસ દિવસની મુલાકાતનો પ્રસંગ નથી, પણ વર્ષો સુધી સાથે રહેવાનો પ્રસંગ છે.
આ તકે ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીએ ગુજરાતને ભક્તિ, સંસ્કૃતિ, સાહિત્ય, લાગણી અને અવસરોની ભૂમિ તરીકે વર્ણવી આ પાવન ભૂમિ પર સૌરાષ્ટ્રીયન તમિલ મહેમાનોને ભાવપૂર્વક આવકારતા જણાવ્યું હતું કે, સદીઓ પહેલા સૌરાષ્ટ્રમાંથી સ્થળાંતર કરીને તમિલનાડુમાં સ્થાયી થયેલા લોકોને આજે પોતાના વડવાઓની ભૂમિના દર્શન કરાવવાનું મંગલ કાર્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ સંગમ કાર્યક્રમના માધ્યમથી થયું છે. આ સંગમે બે પ્રદેશો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવાનું કામ કર્યું છે. મૂળ સૌરાષ્ટ્રના તમિલ ભાઈઓ-બહેનો પોતાના વતનની મુલાકાતે આવ્યા છે ત્યારે આ મુલાકાત તેમના જીવનનું યાદગાર સંભારણું બની રહે તે પ્રકારે સરકાર અને સ્થાનિક લોકો દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સંગમમાં તમિલનાડુ અને ગુજરાતની પૌરાણિક રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
તમિલનાડુવાસીઓ ગુજરાતી બોલતા થઈ ગયા
દ્વારકામાં તમિલવાસીઓ બોલ્યા ‘આવો આવો’ અને ગુજરાતીઓ બોલ્યા વરુગા વરુગા
હવે ફરી ગુજરાત આવીશું તો બોલીશું નમસ્કાર! અને તમે કેમ છો? આ શબ્દો સૌરાષ્ટ્રીયન તમિલ પ્રવાસીઓના છે કે જેણે દ્વારકામાં લેંગ્વેજ વર્કશોપમાં ગુજરાતી ભાષાના રોજબરોજ વપરાતા શબ્દો શીખ્યા હતા. ગુજરાત સરકારની સ્કોપ સંસ્થા અને અમદાવાદ તમિલ એસોસિએશન આ ઉપરાંત નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ સહિતની સંસ્થાઓના અરસપરસના સહયોગથી દ્વારકામાં સૌરાષ્ટ્ર તમિલ સંગમના મહેમાનો માટે લેંગ્વેજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં દરરોજ અંદાજે 300 તમિલવાસીઓ ગુજરાતીના રોજબરોજના શબ્દો શીખે છે. આજે સૌરાષ્ટ્ર તમિલ સંગમનો છઠ્ઠો દિવસ તમિલ વાસીઓ ખાસ કરીને મદુરાઈ -ચેન્નઈની મહિલાઓ માટે યાદગાર રહ્યો હતો. તમિલનાડુ થી આવેલી મોટાભાગની બહેનો ગુજરાતી લેંગ્વેજ સ્પર્ધામાં જોડાઈ હતી. આજે લેંગ્વેજ વર્કશોપમાં તમે કેમ છો ?આવો આવો..! નમસ્કાર! તમારી માતૃભાષા કઈ છે ?જય જય ગરવી ગુજરાત જેવા શબ્દો અને વાક્યો આ ઉપરાંત અન્ય ગુજરાતી અને તમિલ શબ્દો વચ્ચેનું ભાષાંતર શીખવવામાં આવ્યું હતું. ગુજરાતીઓ પણ સ્પર્ધામાં જોડાયા અને તેઓએ આ જ ગુજરાતી શબ્દોનું તમિલમાં થતું ભાષાંતર સમજીને સ્પર્ધામાં ભાગ લીધો હતો. ’વિશ્વ આશ્રમ સંતનું’ જેવી વિશ્વ
બંધુત્વની પંક્તિઓ લખનાર કવિ કલાપી કલાપી વિશે આ વર્કશોપમાં તમિલ ભાષામાં તેમના સાહિત્યપ્રદાનની માહિતી પ્રદર્શિત કરવામાં આવી છે, જે ભારતની વિશ્વ બંધુત્વની ભાવના અને એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રતિક રૂપ આ કાર્યક્રમને સાર્થક કરતી હતી.
ઉપરાંત ઝવેરચંદ મેઘાણીની સાહિત્ય રચનાઓ અને તેમના જીવનની માહિતી પણ તમિલમાં પ્રદર્શિત કરવામાં આવી છે. આ ઉપરાંત તમિલનાડુના સંતો કવિઓ અને મહાન વિચારકો સૌરાષ્ટ્ર તમિલ સંગમ અંતર્ગત તમિલનાડુથી આવેલા બાંધવો ગુજરાતી ભાષાની સમજણ મેળવે અને ગુજરાતીઓ તમિલ ભાષાની સમજણ મેળવે તે માટે લેન્ગવેજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રીયન તમિલોએ ઉત્સાહભેર વર્કશોપમાં ભાગ લીધો હતો.
ભોજપત્ર પર લખાયેલા પ્રાચીન લખાણ અંગે રસપ્રદ વિગતો મેળવી રહ્યા છે પ્રવાસીઓ
ભારતીય સંસ્કૃતિના પ્રાચીન ગ્રંથો કઈ રીતે લખાયા હશે? ઝાડની છાલ માંથી ભોજપત્ર કઈ રીતે બનતા હતા? એવી કઈ શાહી વપરાતી હતી કે 1000 વર્ષ સુધી લખાણ નષ્ટ થતું ન હતું? આ બધી રસપ્રદ માહિતી સૌરાષ્ટ્ર તમિલ સંગમ અંતર્ગત સોમનાથ મંદિર નજીક બનાવાયેલા પ્રદર્શનની ડોમ કાર્યક્રમના સ્થળે પ્રવાસીઓ મેળવી રહ્યા છે.સૌરાષ્ટ્ર તમિલ સંગમ અંતર્ગત વિવિધ યુનિવર્સિટી ની પ્રદર્શની આયોજિત કરવામાં આવી છે.
ગઈકાલે પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ યુનિવર્સિટીના વિવિધ સ્ટોલ ની મુલાકાત લીધી હતી. જેમાં શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા એ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પ્રાચીન સાહિત્યના લખાણ અને કઈ રીતે પ્રાચીન સમયમાં સાહિત્ય લખાતું હતું તેમજ યજ્ઞ ની વિવિધ ચીજ વસ્તુઓ કઈ રીતે બનાવવાતી હતી તે તમામ ચીજ વસ્તુઓના તમિલ- અંગ્રેજી- હિન્દી માં નામો સહિતની પ્રદર્શનની નિહાળી રસપ્રદ વિગતોથી તેઓ વાકેફ થયા હતા.
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ ડો.લલિત પટેલે જણાવ્યું હતું કે તાડ સહિતના ઝાડની છાલ માંથી બનાવતા ભોજપત્ર પર પ્રાચીન સમયમાં સાહિત્ય લખાતું અને તે 1000 વર્ષ સુધી નષ્ટ થતું ન હતું. કઈ પ્રકારનું આ મટીરીયલ હતું? તેમજ શાહી કઈ રીતે બનતી હતી? આ અંગે રસપ્રદ અભ્યાસ કરીને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીએ આ પ્રકારની શાહી બનાવી કેટલીક પ્રાચીન વસ્તુઓનું પણ પ્રતિકાત્મક સંયોજિત નિર્માણ કરી સંસ્કૃત લેખની અંગેની વિગતો સ્ટોલમાં પ્રદર્શિત કરી છે અને આ બધી વસ્તુ જીવંત રહે તે માટેના પણ પ્રયાસો પણ કર્યા છે.
ગુજરાતની પરંપરાગત સાંસ્કૃતિક કૃતિ સાથે સૌરાષ્ટ્રીયન તમિલોનું સ્વાગત
કરતા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત દેવભૂમિ દ્વારકા ખાતે સૌરાષ્ટ્રીયન તમિલ પરિવારોનું આગમન થયું છે. જ્યાં તેમના પર પુષ્પવર્ષા કરી ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. દ્વારકા ખાતે ઢોલ-નગારાના નાદ સાથે તમિલ બંધુઓને આવકારવામાં આવ્યા હતાં. આવકારથી આનંદિત થયેલા મહેમાનો પણ ભરત અને આભલે ભરેલી છત્રીઓ સાથે ઢોલના તાલે ગુજરાતી ગરબા કરી ઝૂમી ઉઠ્યા હતા. આ તકે સંગઠન અગ્રણીઓ રમેશભાઈ હેરમા, રાજુભાઈ બથીયા,અરભમભાઈ ઓડેદરા, લતાબેન અગ્રાવત, રસિકભાઈ થાનકી, ભાવનાબેન મસરુ, સચિનભાઈ અગ્રાવત, રાણાભાઈ જમોડ, ભરતભાઈ ઓડેદરા,વાલાભાઈ પરમાર, જીવાભાઈ ઓડેદરા સહિતના દ્વારા સૌરાષ્ટ્રીયન તમિલોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
નાગેશ્વર મહાદેવના દર્શન કરતા સૌરાષ્ટ્રીયન તમિલો
સોમનાથ મહાદેવના દર્શન કર્યા પછી સૌરાષ્ટ્ર તમિલ ભાઈ બહેનોએ દ્વારકા નજીક જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવના શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા હતા. દારૂકાવન નાગેશ્વર મહાદેવના દર્શન કરી નાગેશ્વર મહાદેવના આ મંદિરનો પ્રાચીન ઇતિહાસ પણ જાણ્યો હતો.મંદિરના પટાંગણમાં શિવની વિશાળ મૂર્તિને પણ શીશ નમાવી ભાવિકોએ દર્શન કર્યા હતા.
300 સૌરાષ્ટ્રીયન તમિલોએ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું
સૌરાષ્ટ્ર તમિલ સંગમ અંતર્ગત સૌપ્રથમ સોમનાથના મહેમાન બનેલા સૌરાષ્ટ્ર તમિલ બાંધવો આજરોજ દેવભૂમિ દ્વારકાના મહેમાન બન્યા છે. આજરોજ 300 સૌરાષ્ટ્રીયન તમિલોએ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું.દ્વારકાધીશ મંદિર સમિતિ દ્વારા મહેમાનોને આવકારવા જરૂરી આયોજન કરવામાં આવ્યું છે. આ તકે સૌરાષ્ટ્રીયન તમિલો અને ગુજરાતી દર્શનાર્થીઓ વચ્ચે પણ ભક્તિનું તાદાત્મ્ય સર્જાયું હતું. ભગવાન દ્વારકાધીશના દર્શન કરવાનું સૌભાગ્ય મળતા સૌરાષ્ટ્રીયન તમિલોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ અંતર્ગત રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા જરૂરી સંકલન કરી મહેમાનો માટેની આગતા સ્વાગતા સહિતના આયોજન સફળતાપૂર્વક કરવામાં આવી રહ્યું છે.