30મી એપ્રિલે “મન કી બાત” 100માં એપિસોડ પૂર્વે ભૂપેન્દ્રભાઇ પટેલની નવતર પહેલ
વડાપ્રધાનપદે સત્તારૂઢ થયા બાદ નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ-2014થી “મન કી બાત” નામનો એક કાર્યક્રમ શરૂ કર્યો છે. જેમાં તેઓ દર મહિનાના છેલ્લા રવિવારે રેડીયોના માધ્યમથી દેશવાસીઓને સંબોધન કરે છે. આગામી 30મી એપ્રિલ મન કી બાત કાર્યક્રમનો 100મો એપિસોડ છે. 1 થી 99 એપિસોડ દરમિયાન વડાપ્રધાને “મન કી બાત” કાર્યક્રમમાં જે-જે સંસ્થાઓ અને વ્યક્તિઓના નામ જોગ ઉલ્લેખ કર્યો છે. તેઓનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
આજે બપોરે 12 કલાકે ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન રાજભવન ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. જે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના “મન કી બાત” કાર્યક્રમના 1 થી 99 એપિસોડ દરમિયાન ચમકેલી ગુજરાતની સંસ્થાઓ અને વ્યક્તિ વિશેષનું સન્માન કરવામાં આવ્યું હતું. તમામનો સીએમએ આભાર માન્યો હતો. તેઓના કારણે દેશમાં ગુજરાતને વિશેષ ગૌરવ પ્રાપ્ત થયું હોવાનું જણાવ્યું હતું. તેઓને પ્રિતી ભોજન પણ કરાવવામાં આવ્યું હતું.