એક ભારત શ્રેષ્ઠ ભારતની પરિકલ્પનાને સાકાર કરી તમિલ સંગમ થકી વિવિધતામાં એકતાના દર્શન કરાવતું એકતાનગર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીતાના કારણે કૃષિ ક્ષેત્રે ભારત દેશ વિશ્વમાં સૌથી વધુ અગ્રેસર બની રહ્યો છે. તેમના કારણે જ આખું વિશ્વ આ વર્ષને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ-2023 તરીકે ઉજવી રહ્યું છે. જે અંતર્ગત કૃષિમાં બાજરી, હલકા ધાન્યની નોંધપાત્ર ભૂમિકા અને સ્માર્ટ અને સુપરફૂડ તરીકેના તેના ફાયદાઓ વિશે લોકોમાં જાગૃતિ લાવવામાં માટેના કાર્યક્રમો થઈ રહ્યાં છે. હાલમાં તમિલનાડુ અને ગુજરાતના ઐતિહાસિક સંબંધોને વધુ ગાઢ બનાવવાના શુભ આશય સાથે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ તા.17મી એપ્રિલ 2023ના રોજ સોમનાથ ખાતેથી પ્રારંભ થયો છે. ત્યાંથી સૌરાષ્ટ્રીય તમિલ મહેમાનો નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત અન્ય પ્રોજેક્ટની મુલાકાતે આવી રહેલા મહેમાનોની આગતા સ્વાગતા માટે ભોજન અને નાસ્તામાં પણ હલકા ધાન્યમાંથી બનેલો ખોરાક પિરસવામાં આવી રહ્યો છે.
સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ થકી બે સંસ્કૃતિનો સમન્વય એકતાનગર ખાતે થઈ રહ્યો છે ત્યારે વિવિધતામાં એકતાના દર્શન કરાવતા આ સંગમ થકી મિલેટ્સમાં પણ એક ભારત શ્રેષ્ઠ ભારતની પ્રતિતિ થઈ રહી છે. મિલેટ (નાના દાણા વાળા ધાન્ય) પાકોનું જૂથ છે. જેમાં વૈવિધ્યતા સભર પાકો જેવા કે જુવાર, બાજરી, નાગલી (રાગી), કાંગ, કોદરા, વરી, બંટી (સામો) વગેરેનો સમાવેશ થાય છે. નર્મદા જિલ્લાના ખાસ કરીને દેડિયાપાડા અને સાગબારા તાલુકાના ખેડૂતો આજે પણ આ પરંપરાગત ધાન્ય એટલે કે મિલેટ પાકોનું વાવેતર કરી હલકા ધાન્ય પકવી રહ્યાં છે. આ ધાન્ય માનવ શરીરના સામાન્ય કાર્ય માટે જરૂરી મોટા ભાગના પોષક તત્ત્વોનો ભંડાર છે. જેથી આ પાકોને પોષક અનાજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પાકોના વિશિષ્ટ ગુણધર્મને કારણે ખાઘસુરક્ષા, પોષકસુરક્ષા, સ્વાસ્થ્ય સલામતી તેમજ આર્થિક સુરક્ષામાં અતિ મહત્વનો ફાળો છે.
તેથી નર્મદા જિલ્લા વહિવટીતંત્રને એક સારી તક મળી છે જેમાં અમે સૌરાષ્ટ્રીય તમિલ મહેમાનો જે એકતાનગર ખાતે આવી રહ્યા છે તેમના માટે મિલેટનું ખાસ આયોજન કર્યું છે. ટેન્ટસિટીમાં બેથી ત્રણ મિલેટની વસ્તુઓ કે જેમાં રાગી, બાજરાના રોટલા જેવા અન્ય વિભિન્ન પ્રકારના ધાન્ય જે ખાસ કરીને ગુજરાતના ટ્રેડિશનલ મિલેટ છે તેના ઉપર વધુ ભાર મૂકીએ છીએ તેમ તેઓએ ઉમેર્યું હતું.
“દિલમાં અમારા વતનની માટી માટે ઋણ જાગ્યુ, મહાદેવ પાસે વડાપ્રધાન માટે અમે ખૂબ માગ્યુ” સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં ભાગ લેવા આવેલા મૂળ સૌરાષ્ટ્રીયન તમિલ ગાયત્રી નાગરાજન અને કુપ્પા મહાલક્ષ્મી અને એમના ગૃપની મહિલાઓએ સોમનાથ, સરદાર, સિંહ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વડાપ્રધાનના સંગમને એક તાંતણે ગૂંથી તમિલમાં ગીતની રચના કરી છે. જેમાં આ સંક્ષિપ્ત ભાવાર્થ રચાયેલો છે.
આ રીતે ગૃપની પાંચ મહિલાઓએ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાની સહિત મહેમાનો સમક્ષ પોતાના ગીતની પ્રસ્તુતી કરી હતી અને વતન મેળાપ બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો કાવ્યાત્મક શૈલીમાં આભાર વ્યક્ત કર્યો હતો.ગીર સોમનાથની ભૂમી પર પગ મૂકતાં જ લાગણીશીલ થયેલી મૂળ સૌરાષ્ટ્રીયન તમિલ મહિલાઓએ આંખમાં ઝળહળીયા અને હ્રદયમાં વતનની માટી પર પગ મૂકવાની ખુશી સાથે ગીતનો ભાવાર્થ જણાવ્યો હતો. જેમાં સ્પષ્ટ રીતે એમની અંતરની ઉર્મીઓ ઘૂઘવતી હતી. મૂળ સૌરાષ્ટ્રીયન તમિલ ગાયત્રી નાગરાજને જણાવ્યું હતું કે, મારા પરદાદા વર્ષો પહેલા સૌરાષ્ટ્રથી હિજરત કરી અને મદુરાઈ આવ્યા હતા.
સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા મંત્રી મુળુભાઇ
બેરા અને પ્રફુલ્લભાઈ પાનસેરીયા સહિતના મહાનુભાવો
સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર અને તમિલ સંસ્કૃતિઓના સુભગ સમન્વયરૂપી સૌરાષ્ટ્ર તમિલ સંગમનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેના ભાગરૂપે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા અને શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયા સોમનાથ જિલ્લાના મહેમાન બન્યા છે. પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના દર્શન કરી મંત્રીઓએ ધન્યતા અનુભવી હતી. ભગવાન સોમનાથ મહાદેવના શ્રદ્ધાપૂર્વક દર્શન કરી જળાભિષેક કર્યો હતો. ત્યારબાદ પંડિતો દ્વારા શ્લોકોના સુમધુર ઉચ્ચારણોથી વિધિવત સોમેશ્ર્વર મહાપૂજા કરાવવામાં આવી હતી. મંત્રીઓએ ભગવાન મહાદેવના આશીર્વાદ મેળવી અને ભગવાન શિવના ચરણોમાં શીશ ઝુકાવી ગુજરાતમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરી હતી.
બંને રાજ્યોની કલા અને સંસ્કૃતિની મહેક સ્ટેચ્યુ ઓફ યુનિટીના પટાંગણમાં પ્રસરી
સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ એક મહાપર્વ સાબિત થઈ રહ્યું છે, જ્યાં બે રાજ્યોની કલા અને સંસ્કૃતિનું જોડાણનું નિમિત્ત આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે. જ્યાં રવિવારની પૂર્વ સંધ્યાએ ટેન્ટસીટી-2 ખાતે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમે ત્રીજી બેચના તામિલ બાંધવોને મંત્રમુગ્ધ કર્યા હતા. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં પરંપરાગત તમિલ ગીત અને નૃત્ય, ક્રિષ્ણ કિર્તન, કથ્થક, કરગટ્ટમ, તપટ્ટમ સહિતની કૃતિઓએ ગુજરાતની ભૂમિ પર તમિલ સંસ્કૃતિને ઉજાગર કર્યો હતો.જેમાં બંને રાજ્યોની કલા અને સંસ્કૃતિ ઉજાગર થઈ રહી છે. જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક ભારત, શ્રેષ્ઠ ભારત ને ચરિતાર્થ કરી રહ્યું છે.